
(૧) બીમારની ઇયાદત કરવા જતાં પહેલાં વુઝૂ કરવું મુસ્તહબ છે.
હઝરત અનસ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: “જે શખ્સ સારી રીતે વુઝૂ કરે (એટલે કે વુઝૂની તમામ સુન્નતો અને મુસ્તહબ રીતોનું પૂરું ધ્યાન રાખે) અને અજ્ર-સવાબની નીયતથી પોતાના બીમાર મુસલમાન ભાઈની ઇયાદત કરે, તો તેને જહન્નમથી સિત્તેર વર્ષની મુસાફત (ડિસ્ટન્સ) બરાબર દૂર રાખવામાં આવશે.” (સુનન અબી-દાઉદ, રકમ: ૩૦૯૭)
(૨) જ્યારે કોઈ બીમાર શખ્સની ઇયાદત માટે જાઓ, તો ત્યાં વધારે વાર ન રોકાઓ; કારણ કે તેનાથી બીમારને તકલીફ થાય છે. તેથી, થોડી વાર રોકાઓ અને પછી પાછા આવી જાઓ.
હઝરત અબ્દુલ્લાહ બિન-અબ્બાસ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુમાથી મન્કૂલ છે કે આ વાત સુન્નતમાંથી છે કે (બીમાર માણસની) ઇયાદતના સમયને મુખ્તસર (ટૂંકો) કરવામાં આવે અને તેની પાસે શોર-બકોર ન મચાવવામાં આવે. (રઝીન, જેમ કે મિશ્કાતુલ-મસાબીહમાં છે, રકમ: ૧૫૮૯)
(૩) બીમારને તસલ્લી આપો. તેનાથી હિંમત વધારનારી વાતો કહો અને તેને સેહતયાબી (સાજા થવા) ની ઉમ્મીદ અપાવો. ડૉક્ટર કે કોઈ પણ મુલાકાતીએ દર્દીને એવું બિલકુલ ન કહેવું જોઈએ કે ‘હવે આના બચવાની કોઈ ઉમ્મીદ નથી’.
હઝરત અબૂ-સઈદ ખુદ્રી રઝ઼િયલ્લાહુ અ઼ન્હુથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ફરમાવ્યું: “જ્યારે તમે કોઈ બીમાર શખ્સની ઇયાદત માટે જાઓ, તો તેનાથી હિંમત વધારનારી વાતો કહો અને તેને જિંદગીની ઉમ્મીદ અપાવો; કારણ કે (જિંદગીની) ઉમ્મીદ અપાવવાથી તકદીર તો નહીં બદલાય, પરંતુ આ વાત દર્દીના દિલ માટે ખુશી અને સુકૂનનું સબબ (કારણ) બનશે.”
હઝરત અબ્દુલ્લાહ બિન-અબ્બાસ રઝ઼િયલ્લાહુ અ઼ન્હુમાથી રિવાયત છે કે એક વખત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ એક બીમાર દેહાતીની ઇયાદત માટે તશરીફ લઈ ગયા. આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમની આદતે-શરીફા એ હતી કે જ્યારે આપ કોઈ બીમારની ઇયાદત માટે તશરીફ લઈ જતા, તો આ દુઆ પઢતા:
لَا بَأْسَ طَهُوْرٌ إِنْ شَاءَ اللهُ
“ગભરાવાની કોઈ વાત નથી, (આ બીમારી) પાક-સાફ કરનારી છે, ઇન્શાઅલ્લાહ.” (સહીહ બુખારી)
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી