નબી ઈસા અલૈહિસ્સલામ સાથે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની મુશાબહત

قال رسول الله صلى الله عليه وسلم:

من أحب أن ينظر إلى المسيح عيسى ابن مريم إلى بره وصدقه وجده (اجتهاده في العبادة) فلينظر إلى أبي ذر (لأنه يملك من الصفات ما يجعله مشابها لسيدنا عيسى عليه السلام) (مجمع الزوائد، الرقم: ١٥٨١٧)

નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઇરશાદ ફરમાવ્યું:

“જે માણસ ચાહે છે કે તે ઈસા બિન-મરયમ અલૈહિસ્સલામને ખુદની નેકીઓ, ખુદની સચ્ચાઈ અને ખુદની ઇબાદતના મુજાહદામાં જુએ, તો તેને જોઈએ કે તે અબૂ-ઝરને જુએ; કારણ કે અબૂ-ઝરની અંદર એવી સિફતો (ખૂબીઓ) છે, જે નબી ઈસા અલૈહિસ્સલામની સિફતો સાથે મળતી આવે છે.”

હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુનું ઝુહદ (દુનિયાથી બેરગ્બતી)

હઝરત અબૂ-ઝર ગિફારી રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ એક એવા સહાબી હતા, જે પોતાની ઝાહિરી શક્લ-સૂરત અને સારી સિફતોમાં હઝરત ઈસા અલૈહિસ્સલામ સાથે મુશાબહત (સરખાપણું) ધરાવતા હતા.

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે ફરમાવ્યું:”જે માણસ એવું ચાહતો હોય કે તે ઈસા ઇબ્ને-મરયમ અલૈહિસ્સલામને તેમની નેકીમાં, તેમની સચ્ચાઈમાં અને તેમની ઇબાદતના મુજાહદામાં જુએ, તો તેણે જોઈએ કે તે અબૂ-ઝરને જુએ.” (મજ્મઉઝ-ઝવાઇદ, હદીસ નંબર: ૧૫૮૧૭)

એવી જ રીતે એક બીજી હદીસમાં છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે ફરમાવ્યું:”જે માણસ કોઈ એવા શખ્સને જોવા ચાહતો હોય, જે જિસ્માની શક્લ-સૂરત અને સિફતોમાં ઈસા અલૈહિસ્સલામ સાથે મુશાબહત ધરાવતો હોય, તો તેણે જોઈએ કે તે અબૂ-ઝરને જુએ.” (મજ્મઉઝ-ઝવાઇદ, હદીસ નંબર: ૧૫૮૨૦)

હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની સારી સિફતો અને ખૂબીઓમાંથી એક નુમાયાં સિફત એ હતી કે તેઓ પરહેઝગારી અને દુનિયાથી બેરગ્બતીના બુલંદ મકામ પર હતા. ઇસ્લામ કબૂલ કર્યા પછી, તેમણે પોતાની જિંદગી એવી રીતે ગુજારી કે તેઓ દુનિયાથી બેરગ્બતી અને ઝુહદમાં અંબિયા અલૈહિમુસ્સલામ જેવા લાગતા હતા. તેમનું પૂરું ધ્યાન આખિરત અને અલ્લાહ ત’આલાની રઝા (ખુશી) હાસિલ કરવા પર જ હતું.

હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની અંદર આ બધી ખૂબીઓ આપ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની મુબારક સોહબતમાં રહેવાના કારણે પેદા થઈ હતી; જ્યારે કે ઇસ્લામ કબૂલ કરતા પહેલા તેમની અંદર માલ-દોલતની એટલી બધી મોહબ્બત હતી કે તેઓ દોલત મેળવવા માટે કાફલાઓને લૂંટતા હતા.

એક રિવાયતમાં છે કે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુના દિલમાંથી માલની મોહબ્બત એ કારણે નીકળી ગઈ કે તેમણે તે લોકોના વિશે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની સખત વ’ઈદો (ચેતવણીઓ) સાંભળી, જેઓ અલ્લાહ ત’આલાના આપેલા માલના હકો અદા નથી કરતા અને ઝકાત નથી આપતા. એવી જ રીતે તેમણે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની ઝુહદ વાળી જિંદગી જોઈ, તો તેમણે પણ ઝુહદ વાળી જિંદગીને જ પસંદ કરી.

એક વખત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ કાબા-શરીફના પડછાયામાં બેઠા હતા. હઝરત અબૂ-ઝર રઝિયલ્લાહુ અન્હુ મસ્જિદમાં દાખલ થયા. તે સમયે તેમણે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમને એવું ફરમાવતા સાંભળ્યા કે, “કાબાના રબની કસમ! તે લોકો મોટા નુકસાનમાં છે (અને તેમનું ઠેકાણું જહન્નમની આગ છે).” રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે આ વ’ઈદ (ચેતવણી) બે વાર ફરમાવી.

હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ બહુ પરેશાન થયા અને પોતાની જાતને કહ્યું કે શું મારા વિશે કોઈ આયત નાઝિલ થઈ? (જેના કારણે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે આવું ફરમાવ્યું)? તેથી તેઓ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની પાસે ગયા; જ્યારે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ ફરમાવી રહ્યા હતા: “કાબાના રબની કસમ! તે લોકો મોટા નુકસાનમાં છે (અને તેમનું ઠેકાણું જહન્નમની આગ છે).”

હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ અર્ઝ કર્યું: “યા રસૂલુલ્લાહ! મારા માં-બાપ તમારા પર કુરબાન! આ વ’ઈદ (ચેતવણી) કોના માટે છે?” રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે ફરમાવ્યું કે, “આ વ’ઈદ (ચેતવણી) તે લોકો માટે છે, જેઓ માલ ભેગો કરે છે. તે લોકો નુકસાનમાં છે (અને તેમનું ઠેકાણું જહન્નમની આગ છે), સિવાય કે તે લોકો જે પોતાના જમણે, ડાબે, આગળ અને પાછળ (માલનો હક અદા કરતા) સદકો કરે છે.”

બીજા શબ્દોમાં: તે લોકો જે માલનો હક અદા કરે છે, ગરીબોને ઝકાત આપે છે અને માલ સાથે જોડાયેલી પોતાની બીજી જવાબદારીઓ પૂરી કરે છે (દાખલા તરીકે: પોતાના ઘરવાળાઓ અને મા-તહતો પર ખર્ચ કરવો, કર્ઝ અદા કરવું વગેરે), તો એવા લોકો માટે માલ જહન્નમની આગમાં જવા માટેનું કારણ (ઝરિયો) નહીં બને અને તેના કારણે તેમને અઝાબ આપવામાં નહીં આવે.

એવી જ રીતે એક બીજા મોકા પર હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુ મદીના-મુનવ્વરામાં ઉહુદ પહાડની નજીક રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની સાથે હાજર હતા. મગરિબનો ટાઈમ હતો અને સૂરજ ગુરૂબ થવાનો હતો. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુને સંબોધીને ફરમાવ્યું: “એ અબૂ-ઝર! આ ઉહુદનો પહાડ જે આપણી સામે છે, જો અલ્લાહ ત’આલા આ પહાડને મારા માટે સોનામાં બદલી નાખે, તો પણ હું આ સોનાને ત્રણ રાત સુધી મારી પાસે નહીં રાખું! ત્યાં સુધી કે હું તેને ગરીબો પર ખર્ચ કરી દઉં, સિવાય કે એક દીનાર, જેનાથી હું કોઈ કર્ઝદારનું કર્ઝ અદા કરું.” (સહીહ બુખારી, હદીસ નંબર: ૬૪૪૪)

જેમ કે હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુએ રસૂલે-અક્રમ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમની જિંદગી જોઈ હતી, જે ઝુહદ અને દુનિયાથી બેરગ્બતીથી ભરેલી હતી અને તેની સાથે-સાથે તેમણે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અ઼લૈહિ વ-સલ્લમ પાસેથી તે લોકોના વિશે સખત વ’ઈદો (ચેતવણીઓ) સાંભળી હતી, જેઓ માલ જમા કરે છે પણ માલના હકો અને માલમાં બીજાના હકો અદા નથી કરતા, એટલા માટે તેમના દિલમાં માલની સખત નફરત પેદા થઈ ગઈ. ત્યાં સુધી કે તેઓ માલ જમા કરવાનું નાપસંદ કરતા હતા અને તેમને એ પણ ના-ગવાર હતું કે તેઓ લોકોને જુએ કે લોકો પોતાની જરૂરિયાત કરતાં વધારે માલ જમા કરે.

Check Also

હઝરત અબૂ-ઝર રઝ઼િયલ્લાહુ અ઼ન્હુની જિંદગીની આખરી પળો

لما حضرت سيدنا أبا ذر رضي الله عنه الوفاة، بكت زوجته. فقال لها: ما يبكيك؟ …