​હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુનો તવાઝુ

كان الناس يأتون سيدنا بلالا رضي الله عنه ويذكرون فضله وما قسم الله له من الخير، فيقول بتواضع: إنما أنا حبشي كنت بالأمس عبدا (طبقات ابن سعد ٣/١٨٠)

​જ્યારે લોકો હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુ પાસે આવતા અને તેમની ખૂબીઓના વખાણ કરતા તેમજ અલ્લાહ તઆલાએ તેમને જે ખૈરો-ભલાઈ આપી હતી તેનો ઉલ્લેખ કરતા, ત્યારે તેઓ અત્યંત તવાઝુ સાથે જવાબ આપતા:
​”હું તો ફક્ત એક હબસી છું, જે કાલે એક ગુલામ હતો.”

હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુનું કાબા શરીફની છત પર અઝાન આપવું

ફત્હે-મક્કાના મૌકા પર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ કાબા-શરીફમાં દાખલ થયા અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ સાથે હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુ અને હઝરત ઉસામા રદ઼િયલ્લાહુ અન્હુ હતા.

તે સમયે આખી મસ્જિદ કુરૈશના લોકોથી ભરેલી હતી. તેઓ એ જોઈ રહ્યા હતા કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હવે શું કરશે અને તેમની સાથે કેવો વ્યવહાર કરશે, જેમણે થોડા વર્ષો પહેલા તેમને મક્કા-મુકર્રમામાંથી કાઢી મૂક્યા હતા.

કુરૈશના કેટલાક લોકો મક્કા-મુકર્રમાની આસપાસના પહાડોની ચોટીઓ પરથી આ બધુ જોઈ રહ્યા હતા, જ્યારે કેટલાક લોકો ડરના માર્યા છુપાઈ ગયા હતા.

આ ઐતિહાસિક ક્ષણે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુને કાબા-શરીફ પર ચઢીને ઝુહરની અઝાન આપવાનો હુકમ આપ્યો.

જ્યારે હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુ અઝાન આપવા માટે કાબા-શરીફ પર ચઢ્યા, ત્યારે અત્તાબ બિન-અસીદ, હારિસ બિન-હિશામ, સુહૈલ બિન-અમ્ર અને અબૂ-સુફ્યાન તે કુરૈશી લોકોમાં હતા જેઓ કાબા-શરીફની આસપાસ બેઠેલા હતા.

જ્યારે અત્તાબ બિન-અસીદે હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુને અઝાન આપતા જોયા, ત્યારે તેણે કહ્યું: “અલ્લાહ તઆલાએ મારા બાપ અસીદને ઇજ્જત આપી કે તેને આ દિવસ જોવા પહેલા જ દુનિયામાંથી ઉઠાવી લીધો. જો તે જીવતો હોત અને આ અઝાન સાંભળત, તો તે ખૂબ ગુસ્સે થાત.”

હારિસ બિન-હિશામ કસમ ખાઈને બોલ્યો: “જો હું આ દીનને સાચો માનતો હોત અને તેને હકની દાવત દેવા વાળો સમજતો હોત તો હું ચોક્કસ તેને કબૂલ કરત.” તેણે હઝરત બિલાલને નીચા પાડતા એમ પણ કહ્યું: “શું મુહ઼મ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને આ ‘કાળા કાગડા’ સિવાય અઝાન આપવા માટે બીજું કોઈ ન મળ્યું?”

સુહૈલ બિન અમ્ર બોલ્યો: “અલ્લાહ તઆલા કોઈ વસ્તુને પસંદ ન કરે, તો તે તેને બદલી નાખે છે.”

અબૂ-સુફ્યાન ચુપ રહ્યો અને કહ્યું: “હું કંઈ નહીં બોલું, કારણ કે મને ડર છે કે આ પથ્થરો પણ નબી (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને મારી વાતોની જાણ કરી દેશે.”

જેવી આ લોકોએ આ વાતો કરી, હઝરત જિબ્રઈલ (અલૈહિસ્સલામ) નબી-એ-કરીમ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) પાસે હાજર થયા અને તેમને આ લોકોની વાતોથી માહિતગાર કર્યા.

નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તે લોકોને બોલાવ્યા અને ફરમાવ્યું: “તમે જે વાતો કરી છે તેની મને જાણ મળી છે.” પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે દરેક વ્યક્તિએ જે કહ્યું હતું તે સેમ કહી સંભળાવ્યું.

હારિસ અને અત્તાબ આ સાંભળીને હેરાન થઈ ગયા અને તરત જ ઈસ્લામ કબૂલ કરી લીધો. તેમણે કહ્યું: “અમે ગવાહી આપીએ છીએ કે તમે અલ્લાહના રસૂલ છો, કારણ કે તમે અમને અમારી તે ખુફિયા વાતો જણાવી દીધી જે સમયે ત્યાં અમારા સિવાય બીજું કોઈ હાજર નહોતું.”

આ મૌકા પર અલ્લાહ ત’આલાએ કુર્આન-મજીદની આ આયત નાઝિલ ફરમાવી:

يَا أَيُّهَا النَّاسُ إِنَّا خَلَقْنكُم مِّن ذَكَرٍ وَأُنثَىٰ وَجَعَلْنكُمْ شُعُوبًا وَقَبَائِلَ لِتَعَارَفُوا ۚ إِنَّ أَكْرَمَكُمْ عِندَ اللَّهِ أَتْقكُمْ ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ خَبِيرٌ ‎﴿١٣﴾‏

“હે લોકો! અમે તમને એક મર્દ અને એક ઔરત (હઝરત આદમ અલૈહિસ્સલામ અને હઝરત હવ્વા અલૈહસ્સલામ) થી પેદા કર્યા છે અને તમારા માટે કૌમ અને કબીલા બનાવ્યા જેથી તમે એકબીજાને ઓળખી શકો. ખરેખર, અલ્લાહની નજરમાં તમારામાં સૌથી વધુ ઈજ્જતવાળો તે છે જે સૌથી વધુ તકવા વાળો હોય. બેશક, અલ્લાહ બધું જ જાણનાર અને બા-ખબર છે.”

Check Also

એક આશિકે-રસૂલની છેલ્લી વાત: હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુ

لما احتضر سيدنا بلال رضي الله عنه قال: غدا نلقي الأحبة، محمدا وحزبه فقالت له …