
أوصت أم المؤمنين السيدة أم سلمة رضي الله عنها أن يصلي عليها سعيد بن زيد رضي الله عنه (مصنف ابن أبي شيبة، الرقم: ١١٢٩٩)
રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની ઝૌજા-એ-મોહતરમા હઝરત ઉમ્મે-સલમહ (રદ઼િયલ્લાહુ અન્હા) એ વસિયત કરી હતી કે તેમની વફાત પછી, હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) તેમની જનાઝાની નમાઝ પઢાવે.
મદીનાના લોકોની નજરમાં હઝરત સઈદ બિન-ઝૈદ (રદિયલ્લાહુ અન્હુ)
હઝરત મુઆવિયા (રદિયલ્લાહુ અન્હુ) એ તેમના ખિલાફત જમાનામાં મદીનાના ગવર્નર મરવાન બિન-હકમને એક ખત લખ્યો, જેમાં મરવાનને હુકમ આપ્યો કે તે તેમના પુત્ર યઝીદ બિન-મુઆવિયા માટે મદીનાના લોકો પાસેથી બૈઅત લે, જે તેમના પછી (હઝરત મુઆવિયા રદિયલ્લાહુ અન્હુ પછી) ખલીફા બનશે.
હઝરત મુઆવિયા (રદ઼િયલ્લાહુ અન્હુ) તેમના પુત્ર યઝીદના કરતુતથી અજાણ હતા; તેથી, તેમણે તેને તેમના ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કરવાનો ઇરાદો કર્યો.
જોકે, મરવાને તરત જ તેમના હુકમ પર કામ કરવાને બજાયે, તેમણે રાહ જોઈ. તે સમયે મદીનામાં રહેતો એક શામી માણસ મરવાન પાસે હાજર હતો. તેણે મરવાનને પૂછ્યું, “તમે હઝરત મુઆવિયા (રદ઼િયલ્લાહુ અન્હુ) ના હુકમ પર અમલ કરવામાં કેમ વિલંબ કરી રહ્યા છો?”
મરવાને જવાબ આપ્યો, “હું સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ)ની બૈઅત લેવાની રાહ જોઈ રહ્યો છું, કારણ કે તે મદીનાના લોકોના સરદાર છે અને લોકોમાં સૌથી વધુ આદરણીય છે. જો તે યઝીદના હાથે બૈઅત કરે, તો બીજા લોકો પણ તેમને ફોલો કરશે.”
શામી માણસે કહ્યું, “શું હું તેમની પાસે જઈને તેમને તમારી પાસે ન લઈ આવું જેથી તે બૈઅત લે?” મરવાને જવાબ આપ્યો, “હા.” પછી તે સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુના ઘરે ગયો અને તેમને મરવાન પાસે આવવા અને યઝીદના હાથે બૈઅત લેવાનો હુકમ આપ્યો.
હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુએ જવાબ આપ્યો, “પાછા જાઓ. હું આવીને બૈઅત કરીશ.”
શામી માણસ ગુસ્સે થયો અને કહ્યું, “જાઓ અને હમણાં જ બૈઅત કરો; નહીંતર, હું તમારો શિરચ્છેદ કરીશ!”
હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુએ જવાબ આપ્યો, “તુ મને તે લોકોની બૈઅત લેવા માટે બોલાવી રહ્યા છો જેમની સાથે મેં ઇસ્લામ ખાતર લડાઈ કરી હતી.”
આમ કહીને તેમણે આ વાતની તરફ ઇશારો કર્યો કે તેઓ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના આગળપડતા સહાબામાંથી છે તેથી તેમને સારી રીતે ખબર છે કોન બૈઅત માટે લાયક છે અને કોન લાયક નથી અને આ વાતમાં કોઈ શક નથી કે યઝીદ બૈઅત માટે લાયક નથી.
શામી માણસ મરવાન પાસે પાછો આવ્યો અને તેમની સાથે જે કંઈ વાતચીત થઈ તે જણાવી. મરવાને ચૂપ રહેવા કહ્યું કે લોકોને આ વાતની ખબર ન પડે.
બહરહાલ, હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુ બૈઅત માટે ન આવ્યા; છેવટે તેમને છોડીને મરવાન મદીનાના બીજા લોકોથી બૈઅત લેવા લાગ્યો.
થોડા સમય પછી, અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ની પાકિઝા બીવી હઝરત ઉમ્મે-સલમહ (રદ઼િયલ્લાહુ અન્હા) ઇન્તિકાલ ફરમા ગઈ. ઇન્તિકાલ પહેલાં, તેમણે વસિયત કરી હતી કે હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) તેમની જનાઝાની નમાઝ પઢાવે. તેથી, તેમની વસિયત મુજબ, મરવાન તેમની જનાઝાની નમાઝ પઢાવા માટે આગળ ન આવ્યો; અને, હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) ની રાહ જોવા લાગ્યો.
જ્યારે બધા હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) ની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે શામી માણસે મરવાનને પૂછ્યું, “જનાઝાની નમાઝ પઢાવવા કેમ આગળ નથી જતા?”
મરવાને જવાબ આપ્યો, “હું તેમની રાહ જોઈ રહ્યો છું જેમને તેં મારવાનો ઈરાદો કર્યો હતો.” આટલું કહીને મરવાને હઝરત સઈદ બિન-ઝૈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) તરફ ઈશારો કર્યો.
આ સાંભળીને શામી માણસને હઝરત સઈદ (રદ઼િયલ્લાહુ અન્હુ) ના બુલંદ મકામનો અહેસાસ થયો; તેથી તેણે તરત જ ઇસ્તિગ઼્ફાર કરીને પોતાની ભૂલ માટે અલ્લાહ તઆલા પાસે માફી માંગી.
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી