عندما أمّر رسول الله صلى الله عليه وسلم سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه على جيش دومة الجندل، عمّمه بيده الشريفة. (من أسد الغابة ٣/١٤١)
જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુને દુમતુ-લ-જંદલની સેનાના અમીર તરીકે નિયુક્ત કર્યા, ત્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે પોતે તેમના માથા પર અમામો બાંધ્યો.
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુને દુમતુ-લ્-જંદલની સેનાના અમીર બનાવ્યા
હિજરતના છઠ્ઠા વર્ષ શાબાન મહિનામાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુને સંબોધીને ફરમાવ્યું કે તમે સફરની તૈયારી કરો; કારણ કે હું તમને આજકાલમાં સરૈયાના અમીર તરીકે મોકલવાનો છું, ઇન્શાલ્લાહ.
બીજા દિવસે સવારે જ્યારે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રદ઼િયલ્લાહુ અન્હુ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ સમક્ષ હાજર થયા ત્યારે તેમણે કાળો અમામો બાંધેલો હતો. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે પોતાનો અમામો ખોલો અને તેને એવી રીતે તેમના માથા પર બાંધ્યો કે અમામાનો છેડો તેમની પીઠ પાછળ લટકતો હતો અને છેડાની લંબાઈ લગભગ ચાર આંગળીઓ બરાબર હતી.
પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તેમને ફરમાવ્યું: ઓ ઔફના પુત્ર! તમારે આ રીતે અમામો બાંધવો જોઈએ; કારણ કે આ અરબોની રીત છે અને વધુ સારી છે.
પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તેમને લશ્કરના અમીર તરીકે નિયુક્ત કર્યા અને હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુને ધ્વજ તેમને સોંપવાનો આદેશ આપ્યો.
તે પછી અલ્લાહ તઆલાની હમ્દ-વ-સના (પ્રશંસા-વખાણ) કરી અને દુરૂદ-શરીફ પઢ્યા પછી, ફરમાવ્યું:
ઓ ઔફના પુત્ર! ઝંડો ઉઠાવો અને અલ્લાહની રાહમાં આગળ વધો. જેઓ અલ્લાહમાં માનતા નથી તેમની સાથે લડો. ગનીમતના માલમાંથી ચોરી ન કરો. તમારા કરારને તોડશો નહીં (જે તમે દુશ્મન સાથે કરો છો), દુશ્મનના મૃત શરીર સાથે છેડછાડ ન કરો અને બાળકોને કતલ ન કરો. આ અલ્લાહનો હુકમ અને તેના નબી (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ)નો તરીકો છે, જેને તમારી તરફ મોકલવામાં આવ્યા છે.
પછી રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) તેમને સાતસો માણસોની ફોજ સાથે કબીલ-એ-કલ્બ તરફ મોકલ્યા, જેઓ દુમતુલ-જંદલમાં રહેતા હતા.
રવાનગી સમયે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે તેમને ફરમાવ્યું કે જો ત્યાંના લોકો (ઈસ્લામ) કબૂલ કરે તો તમે તેમના નેતાની પુત્રી સાથે શાદી કરી લેજો.
નસીહત લીધા પછી, તે પોતાની ફોજ સાથે રવાના થઈ ગયા અને દુમતુલ-જંદલના લોકો પાસે પહોંચ્યા. તેઓ ત્યાં ત્રણ દિવસ રોકાયા અને તેઓને ઇસ્લામનું આમંત્રણ આપતા રહ્યા.
ત્રીજા દિવસે, તેમના નેતા અસ્બગ (જે ખ્રિસ્તી હતા)એ ઇસ્લામ સ્વીકાર્યો. તેની સાથે કબીલાના ઘણા લોકોએ પણ ઈસ્લામ કબૂલ કર્યો. અને જેમણે ઇસ્લામ ન સ્વીકાર્યો તેઓ જિઝ્યો ચૂકવવા તૈયાર થયા.
(જિઝ્યો = ઇસ્લામિક શાસન હેઠળ રહેતા અન્ય ધર્મના લોકો પર લાદવામાં આવેલ કર, જે તેમના જાન-માલની સુરક્ષા અને હિફાજત માટે લેવામાં આવે છે. ત્યાર બાદ, તેમના જાન-માલની સુરક્ષા ઇસ્લામિક શાસનની જવાબદારી અને કામ છે.)
તેથી, તેઓએ હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ) ને એક પત્ર લખીને સંદેશ આપ્યો અને ફરી પાછુ પૂછી લીધુ કે શું નેતાની પુત્રી સાથે નિકાહ કરે કે પછી રેહવા દે.
રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે) તેમના પત્રનો જવાબ આપ્યો કે તેમના સરદાર (અસ્બગ)ની પુત્રી સાથે શાદી કરી લે; છેવટે, હઝરત અબ્દુર્રહ઼્માન (રદ઼િયલ્લાહુ અન્હુ)એ તેમની પુત્રી સાથે નિકાહ પઢ્યા જેનું નામ તમાઝર (રદ઼િયલ્લાહુ અન્હા) હતું.