સૂરહ ફલકની તફસીર

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ‎﴿١﴾‏ مِن شَرِّ مَا خَلَقَ ‎﴿٢﴾‏ وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ‎﴿٣﴾‏ وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ ‎﴿٤﴾‏ وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ ‎﴿٥﴾‏

તમે (ઓ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ! લોકોને) કહો કે હું પનાહ માંગું છું સવારના રબની (૧) દરેક વસ્તુ ના શર થી જે તેણે બનાવી છે (૨) અને અંધારી રાતના શરથી, જ્યારે તે ફેલાય જાય (૩) ગાંઠોમાં ફૂંક મારવા વાળીઓના શરથી (૪) અને હસદ (ઈર્ષ્યા) કરવા વાળાના શરથી, જ્યારે તે હસદ કરવા લાગે (૫)

(પનાહ= શરણ, બચાવ, હિફાજત)
(શર = દુષ્ટતા, બુરાઈ, શરારત)

તફસીર

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ‎﴿١﴾

તમે (મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ) કહી દો કે હું સવારના રબની પનાહ (શરણ) માંગું છું (૧)

આ આયતે-કરીમામાં અલ્લાહ તઆલાએ ખાસ કરીને “ફલક” (સવાર) શબ્દનો ઉલ્લેખ કર્યો છે, જેનો અર્થ થાય છે “તુલૂ’-એ-ફજરનો સમય”, જ્યારે અંધકાર પછી રોશની દેખાય છે.

આમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ અને ઉમ્મત માટે સંદેશ છે કે જે રીતે રાતના અંધકાર પછી દિવસની રોશની આવે છે, તેવી જ રીતે, સખ્તી અને મુશ્કેલી પછી, આસાની અને અલ્લાહ તઆલાની મદદ અવશ્ય આવે છે અને જ્યારે અલ્લાહ તઆલાની મદદ આવે છે ત્યારે તે બધા અંધકારને દૂર કરે છે અને સર્વત્ર રોશની ફેલાવી દે છે.

તેથી, મુશ્કેલીઓ, પરેશાનીઓ અને મુસીબતોના સમયે, ઇન્સાને અલ્લાહ તઆલા તરફ વળવું જોઈએ અને અલ્લાહ તઆલા તરફ પાછા ફરવું જોઈએ અને અલ્લાહની રહમતથી ક્યારેય નિરાશ થવું જોઈએ નહીં.

“ફલક” શબ્દનો બીજો અર્થ

કેટલાક મુફસ્સિર કહે છે કે ‘ફલક’ શબ્દ થી મતલબ જહન્નમની એક ખીણ છે જે એટલી ખતરનાક અને ભયાનક છે કે જહન્નમ પોતે દરરોજ અલ્લાહ તઆલાની પનાહ માંગે છે. આના પરથી માણસ સારી રીતે કલ્પના કરી શકે છે કે જે લોકોને આ જહન્નમની ખીણમાં ફેંકી દેવામાં આવશે તેમને કેટલી આકરી સજા આપવામાં આવશે.

તેથી, જ્યારે અલ્લાહ તઆલાએ આ જહન્નમની ખીણનો ઉલ્લેખ કર્યો છે અને તે અલ્લાહ તઆલા આ ખીણનો રબ છે, ત્યારે તે સૂચવે છે કે જ્યારે અલ્લાહ તઆલા આવી મુશ્કેલીઓ, પીડાદાયક વસ્તુઓ અને તકલીફો નો ખાલિક઼ (સર્જક) છે કે તેનાથી વધુ ખરાબ કોઈ પણ મુસીબત અને પરેશાની નથી તો ઇન્સાને સમજવું જોઈએ કે અલ્લાહ તઆલા તરફ પાછા ફરવા સિવાય તેના માટે કોઈ પનાહની જગ્યા (આશ્રય સ્થાન) નથી. માત્ર અલ્લાહ તઆલા પાસે જ બધી સમસ્યાઓનો ઉકેલ, તમામ સવાલોના જવાબ અને તમામ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો રસ્તો છે.

مِن شَرِّ مَا خَلَقَ ‎﴿٢﴾

(હું પનાહ માંગું છું) તમામ મખ્લૂકના શરથી.

આ આયત-એ-કરીમામાં એવી દરેક સમસ્યા કે શરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેની કલ્પના ઇન્સાનના કાબૂમાં છે અથવા તેની કાબૂની બહાર છે. દરેક પ્રકારની મુસીબત અને બુરાઈથી અલ્લાહ પાસેથી પનાહ માંગવામાં આવી છે.

ઉપરાંત, આ આયતે-શરીફામાં અલ્લાહ તઆલાએ આપણું ધ્યાન એ હકીકત તરફ દોર્યું છે કે તે ખૈરની સાથે-સાથે બુરાઈ અને શરનો પણ ખાલિક છે; તેથી, તે બુરાઈ અને શરનો સર્જનહાર હોવાથી, આપણે બુરાઈ અને શરથી છૂટકારો મેળવવા માટે તેની પનાહ માંગવી જોઈએ; તેથી, જ્યારે પણ આપણે મખ્લૂકના શરથી પનાહ માંગીએ, ત્યારે આપણે સવારના રબની પનાહ લેવી જોઈએ.

વધુમાં, આ આયતમાં અલ્લાહ તઆલાએ આપણને યાદ અપાવ્યું છે કે જ્યારે દરેક વસ્તુ તેની રચના અને પૈદા કરેલ છે, તો પછી આપણી નજરમાં મુસીબત અને સમસ્યા ગમે તેટલી નાની કે મોટી કેમ ન હોય, આપણે યાદ રાખવું જોઈએ કે આ બધી તેની મખ્લૂક છે અને તેના પર તેની સંપૂર્ણ સત્તા અને કુદરત છે.

તેથી, માણસ ગમે તેટલી સમસ્યાઓ અને સંજોગોનો સામનો કરતો હોય, તેણે હારવું જોઈએ નહીં, બલકે તેણે તે હસ્તી અને ઝાત તરફ જોવું જોઈએ જેણે દરેક વસ્તુ પૈદા કરી છે અને દરેક વસ્તુ પર તેની સંપૂર્ણ કુદરત છે.

મુસલમાને એ ન ભૂલવું જોઈએ કે જે ઝાતમાં આ સમસ્યાને પૈદા કરવાની તાકાત છે તે તેનો અંત લાવવાની અને તેને સંપૂર્ણ પણે ખતમ કરવાની તાકાત પણ રાખે છે. ઘણી વખત, સમસ્યાઓ માણસ પર એટલી હદે હાવી થઈ જાય છે કે તે ભૂલી જાય છે કે અમારો એક ખાલિક છે જે દરેક વસ્તુ પર સંપૂર્ણ કુદરત રાખે છે.

Check Also

સૂરહ-ફલક અને સૂરહ-નાસની તફસીર – પ્રસ્તાવના

قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ‎﴿١﴾‏ مِن شَرِّ مَا خَلَقَ ‎﴿٢﴾‏ وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ‎﴿٣﴾‏ وَمِن شَرِّ النَّفَّاثَاتِ فِي الْعُقَدِ ‎﴿٤﴾‏ وَمِن …