હઝરત મુઆઝ બિન જબલ રદ઼િય અલ્લાહુ અન્હુએ હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું:
واللَّه إنه لمن خيرة من يمشي على الأرض (الإصابة ٣/٤٧٧)
અલ્લાહની કસમ! તે (અબૂ-ઉબૈદા) જમીન પર ચાલી રહેલ ભલા માણસોમાંથી એક છે.
હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુની સખાવત અને ઝુહ્દ
(ઝુહ્દ= દુનિયાથી બે-રગ્બતી)
એકવાર હઝરત ઉમર બિન ખત્તાબ રદ઼િય અલ્લાહુ અન્હુએ (તેમના ખિલાફતના સમયમાં) એક થેલીમાં ચારસો અશરફી હઝરત અબૂ-ઉબૈદા બિન જર્રાહ રદ઼િય અલ્લાહુ અન્હુ પાસે મોકલ્યા અને ગુલામને ફર્માવ્યું. કે હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુ ને આપીને થોડા સમય માટે ત્યાં ઊભા રહો અને તેઓ શું કરે છે તે જુઓ.
(અશરફી= સોનાના સિક્કા)
ગુલામે તે થેલી લઈ જઈને હાજર કરી અને કહ્યું કે અમીરુલ-મોમિનીન (મુસલમાનોના અમીર) એ તમારી ખિદમતમાં મોકલી છે; જેથી કરીને તમે તેને તમારી જરૂરિયાતમાં ખર્ચ કરો.
હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુએ થેલી લઈને પહેલા હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુ સારુ દુઆ કરી કે અલ્લાહ તઆલા તેમને પોતાની સાથે જોડી દે અને તેમના પર ખાસ રહમ કરે.
તે પછી તેમણે તેમની બાંદીને બોલાવી અને થેલીમાંથી કેટલાક સિક્કા કાઢ્યા અને ફરમાવ્યું કે આ સાત સિક્કા લો અને ફલાણાને આપી દે. પછી તેમણે થોડા વધુ સિક્કા કાઢ્યા અને ફરમાવ્યું કે આ પાંચ સિક્કા ફલાણાને આપી દે.
તે થેલીમાંથી અશરફી કાઢતા રહ્યા તેમની બાંદીને સોંપતા રહ્યા અને જુદા જુદા લોકોને આપવાનો આદેશ આપતા રહ્યા; ત્યાં સુધી કે બધી રકમ ખતમ થઈ ગઈ.
જ્યારે હઝરત ઉમર રદ઼િય અલ્લાહુ અન્હુએ સાંભળ્યું કે હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુએ અલ્લાહના બંદાઓને આખી રકમ સદકાહમાં આપી દીધી, તો તેઓ ખૂબ જ ખુશ થયા.