અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઇર્શાદ ફર્માવ્યું:
أبو عبيدة في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧)
અબૂ-‘ઉબૈદા જન્નતમાં હશે. (એટલે કે, તે તે લોકોમાંથી છે જેમને આ દુનિયામાં જન્નતની ખુશખબરી આપવામાં આવી હતી.)
હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુની ઈચ્છા
હઝરત ‘ઉમર રદ઼િયલ્લાહુ અન્હુની દિલી ચાહત હતી કે એમને એવો રૂમ નસીબ થાય જે હઝરત અબૂ-ઉબૈદા રદ઼િયલ્લાહુ અન્હુ જેવા વ્યક્તિત્વોથી ભરેલો હોય.
એક વખત હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુ કેટલાક લોકો સાથે બેઠેલા હતા અને તેમણે તેમને સંબોધીને નીચેનો પ્રશ્ન કર્યો: તમારામાંથી કોઈની કોઈ ઈચ્છા હોય તો જણાવો!
એક વ્યક્તિએ કહ્યું: હું ઈચ્છું છું કે આ આખો ઓરડો દિરહમોથી ભરેલો હોય અને હું તે બધું અલ્લાહના રસ્તામાં ખર્ચ કરું.
હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુએ એ લોકોને બીજી વાર પૂછ્યું કે તમારામાંથી કોઈની કોઈ ઈચ્છા હોય તો કહો!
બીજી વ્યક્તિએ કહ્યું: મારી ઈચ્છા છે કે આ આખો ઓરડો સોનાના સિક્કાઓથી ભરેલો હોય અને હું તેને અલ્લાહની રાહમાં ખર્ચી દઉં.
હઝરત ઉમર રદિઅલ્લાહુ અન્હુએ ફરી ત્રીજી વાર એમને એ જ સવાલ પૂછ્યો કે તમારામાંથી કોઈની, કોઈ ઈચ્છા હોય તો બતાઓ!
ત્રીજી વ્યક્તિએ કહ્યું: મારી ઈચ્છા છે કે આ આખો ઓરડો કિંમતી હીરા અને ઝવેરાતથી ભરેલો હોય અને હું એ બધું ફી-સબીલિલ્-લ્લાહ ખર્ચી દઉં.
હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુએ ચોથી વાર એ જ પ્રશ્ન પૂછ્યો કે જો તમારામાંથી કોઈની, કોઈ ઈચ્છા હોય તો જણાવો.
તો તેઓએ જવાબ આપ્યો કે તેમાંથી કોઈને બીજી કોઈ ઈચ્છા નથી.
આ સાંભળીને હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી અને કહ્યું: મારી ઈચ્છા છે કે આ રૂમ અબુ-ઉબૈદા, મુઆઝ બિન જબલ અને હ઼ુઝૈફા બિન યમાન રદ઼િયલ્લાહુ અન્હુમ જેવા વ્યક્તિઓથી ભરેલો હોય. જેથી હું તેમને અલ્લાહ તઆલાના આજ્ઞાપાલનમાં ઉપયોગ કરી શકું. (એટલે કે હું તેમને દીનની સેવા અને દુનિયામાં ઇસ્લામ ફેલાવવા માટે ઉપયોગ કરી શકું.)