હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમે ઈરશાદ ફરમાવ્યુ:
زبير في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧)
ઝુબૈર જન્નતમાં હશે. (એટલે કે, તેઓ તે લોકોમાં થી છે જેમને આ દુનિયામાં જ જન્નત ની ખુશખબરી આપવામાં આવી.)
ઉહુદની જંગ પછી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમની હાકલના જવાબમાં લબૈક કહેવું
એકવાર હઝરત ‘આયશા રદિય અલ્લાહુ અન્હાએ તેમના ભત્રીજા ‘ઉર્વાહ રહીમહુલ્લાહને ફરમાવ્યુ:
ઓ મારા ભત્રીજા! તમારા બંને વાલિદ (એટલે કે તમારા વાલિદ સાહિબ,પિતાજી અને તમારા દાદા) હઝરત ઝુબૈર રદિય અલ્લાહુ અન્હુ અને હઝરત અબુ બકર રદિય અલ્લાહુ અન્હુ એ સહાબાના જૂથમાંથી હતા જેમના વિશે અલ્લાહ તઆલાએ ગઝ્વ-એ-ઉહુદનો ઉલ્લેખ કરતી વખતે નીચે મુજબ ની આયત નાઝિલ ફરમાવી:
ٱلَّذِينَ ٱسْتَجَابُوا لِلَّـهِ وَٱلرَّسُولِ مِن بَعْدِ مَآ أَصَابَهُمُ ٱلْقَرْحُ لِلَّذِينَ أَحْسَنُوا مِنْهُمْ وَٱتَّقَوْا أَجْرٌ عَظِيمٌ ﴿١٧٢﴾
ઘાયલ હોવા છતાં જેમણે અલ્લાહ અને તેના રસૂલની પુકાર નો જવાબ આપ્યો, તેમાંથી નેક કામ કરનારાઓ અને બુરાઈ થી દૂર રહેનારાઓ માટે વિશાળ વેતન છે.
હઝરત આયશા રદિય અલ્લાહુ અન્હુએ વધુમાં જણાવ્યુ કે જંગે ઉહુદ ના દિવસે જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમ ખૂબ પરેશાન થયા. (દુશ્મનોના મુસલમાનો પર હુમલો કરવાને કારણે અને તેમને જખ્મી કરવાને કારણે) અને જ્યારે કાફિરો ચાલ્યા ગયા, ત્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમ ને ડર હતો કે કાફિરો પાછા આવશે (અને ફરી એકવાર મુસલમાનો પર હુમલો કરવાની કોશિશ કરશે.) તેથી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમે જાહેરાત કરી કે કાફિરોનો પીછો કરવા કોણ તૈયાર છે?
રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ-સલ્લમનુ આ એલાન સાંભળીને સિત્તેર સહાબ-એ-કિરામ રદિય અલ્લાહુ અન્હુમે આપની હાકલ પર લબૈક કહ્યુ અને કાફિરોનો પીછો કર્યો. (કાફિરો પાછા ફરવાનો ઇરાદો કરી રહ્યા હતા; પરંતુ આ સાંભળ્યુ કે સહાબ-એ-કિરામ રદિય અલ્લાહુ અન્હુમ તેમનો પીછો કરી રહ્યા છે તો વળતો હુમલો કરવાનો ખ્યાલ છોડી દીધો અને ભાગી ગયા.) આ સિત્તેર સહાબાઓમાં હઝરત અબુબકર રદિય અલ્લાહુ અન્હુ અને હઝરત ઝુબૈર રદિય અલ્લાહુ અન્હુ પણ હતા.