હઝરત સા’દ રદિ અલ્લાહુ અન્હૂ નું ડાયરેક્ટ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમથી નમાઝનો તરીકો શીખવુ

في السنة الحادية والعشرين من الهجرة، أتى بعض أهل الكوفة سيدنا عمر رضي الله عنه وشكوا إليه سيدَنا سعدَ بن أبي وقاص رضي الله عنه أنه لا يصلّي بهم صلاة صحيحة. فسأله سيدُنا عمرُ رضي الله عنه عن ذلك، فقال:

أما أنا والله فإني كنت أصلي بهم صلاة رسول الله صلى الله عليه وسلم ما أخرم عنها (أي: لا أنقص) (صحيح البخاري، الرقم: ٧٥٥)

સન ૨૧ હિજરીમાં, કૂફાના કેટલાક લોકો હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હૂ પાસે આવ્યા અને હઝરત સા’દ રદિ અલ્લાહુ અન્હુ ની શિકાયત કરી કે તેઓ નમાઝ યોગ્ય રીતે અદા કરતા નથી. હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુએ હઝરત સા’દ રદિ અલ્લાહુ અન્હુને આ વિશે પૂછ્યું, જેના જવાબમાં તેમણે કહ્યું:

અલ્લાહની કસમ! હું એ જ રીતે નમાઝ પઢુ છું જે રીતે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ-સલ્લમ નમાઝ પઢતા હતા. હું તેમાં જરાય બેદરકારી નથી કરતો.

કુફા ના કેટલાક લોકોએ ખોટા આરોપ મૂકયા

વર્ષ ૨૧ હિજરીમાં, કુફાના કેટલાક લોકો હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હૂની ખિદમતમાં હાજર થયા અને હઝરત સા’દ રદિ અલ્લાહુ અન્હૂ વિશે ફરિયાદ કરી કે તેઓ યોગ્ય રીતે નમાઝ પઢાવતા નથી. તે સમયે હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હૂ વતી હઝરત સા’દ રદી અલ્લાહુ અન્હૂ કુફાના નામાંકિત ગવર્નર હતા.

તેમની ફરિયાદ સાંભળીને હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુએ હઝરત સા’દ રદિ અલ્લાહુ અન્હુને બોલાવ્યા. જ્યારે તેઓ આવ્યા, ત્યારે હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુએ તેમને અત્યંત આદર અને અદબ સાથે ફરમાવ્યુ: ઓ અબૂ ઇસ્હાક! (આ તેમનો લકબ હતો.) કુફાના કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે તમે યોગ્ય રીતે નમાઝ પઢાવતા નથી.

હઝરત સા’દ રદિ અલ્લાહુ અન્હૂએ જવાબ આપ્યો: અલ્લાહની કસમ! હું એ જ રીતેજ નમાઝ પઢાવુ છું જે રીતે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ નમાઝ પઢાવતા હતા, હું તેમાં કોઈ પણ જાતની કમી નથી કરતો.

તે પછી, હઝરત સા’દ રદિ અલ્લાહુ અન્હૂ એ નમાઝ પઢાવવાનો તરીકો બતાવ્યો અને ફરમાવ્યુ, “જ્યારે હું તેમને ‘ઈશા’ની નમાઝ પઢાવું છું, ત્યારે હું પહેલી બે રકાત લાંબી કરું છું અને બીજી બે રકાત ટૂંકી પઢાવુ છું (જેવી રીતે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમનો તરીકો હતો).

હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુએ ફરમાવ્યુ: ઓ અબૂ ઇસ્હાક! તમારા વિશે મારો આજ અભિપ્રાય હતો.

તે પછી હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુએ હઝરત સા’દ રદિ અલ્લાહુ અન્હુને થોડા લોકો સાથે કુફા પાછા મોકલ્યા; જેથી તેઓ તેમના પર લાગેલા આરોપોની તપાસ અને જાંચ કરે.

હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુએ જેમને મોકલ્યા હતા તેઓ કુફાની દરેક મસ્જિદમાં ગયા અન હઝરત સા’દ રદિ અલ્લાહુ અન્હુ વિશે પૂછતાછ કરી. જ્યારે લોકોને પૂછવામાં આવ્યું ત્યારે તેમની પાસે હઝરત સા’દ રદિ અલ્લાહુ અન્હૂ વિશે તા’રીફ અને ભલાઈ સિવાય કંઈ જ નહોતું.

આખરે, તેઓ બનૂ ‘અબસ કબીલાના મહોલ્લાની એક મસ્જિદમાં પહોંચ્યા. ઉસામા બિન કતાદા નામનો એક માણસ ત્યાં ઊભો થયો અને કહેવા લાગ્યો, “જયારે તમે મને સા’દ રદિ અલ્લાહુ અન્હૂ વિશે પૂછયુ જ છે, ત્યારે મને તેમના વિશે ત્રણ ફરિયાદો છે:

(૧) તેઓ લશ્કર સાથે જેહાદમાં નીકળતા નથી.

(૨) તેઓ સમાન રીતે માલનું વિતરણ કરતા નથી.

(૩) તેઓ ન્યાય અને સમાનતા સાથે ફેસલો કરતા નથી.

આ ખોટા આરોપો સાંભળીને હઝરત સા’દ રદિ અલ્લાહુ અન્હુએ ફરમાવ્યું: અલ્લાહની કસમ! (જો તુ જૂઠું બોલી રહ્યા છે, તો પછી) હું ત્રણ બદદુઆ કરું છું – હે અલ્લાહ! જો તમારો આ વ્યક્તિ જૂઠું બોલી રહ્યો છે અને ખાલી શોહરત અને વાહવાહી માટે ઊભો થયો છે, તો (૧) તેની ઉંમરમાં વધારો કરો (૨) તેની ગરીબી વધારી દો (૩) અને તેને ફિત્નાહમાં નાખી દો.

ત્યાર પછી, જ્યારે લોકો ઉસામા બિન કતાદાહને તેમની હાલત વિશે પૂછતા, તો તે જવાબ આપતો કે હું બુઢ્ઢો થઈ ગયો છું અને ફિતનામાં પડેલો છું અને આ બધું સા’દ રદિ અલ્લાહુ અન્હૂની બદદુઆ ના કારણે છે, જે મને લાગી ગઈ છે.

અબ્દુલ-માલિક, આ ઘટનાના રાવિયોમાંના એક, કહે છે કે મેં તેને (ઉસામા બિન કતાદાહ ને) એવી હાલતમાં જોયો કે ઘણોજ ઘરડો હોવાને કારણે, તેની ભમર તેની આંખો પર લટકતી હતી અને તે શેરીઓમાં નવજુવાન છોકરીઓ સાથે છેડછાડ કરી રહ્યો હતો.

Check Also

રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમના પ્રિય

ذات مرة، قال سيدنا عثمان بن عفان رضي الله عنه عن سيدنا الزبير رضي الله …