દુઆની સુન્નતો અને આદાબ – ૪

તે ટાઈમ જેમાં દુઆ કબૂલ કરવામાં આવે છે

અઝાન અને જેહાદ સમયે

હઝરત સહલ બિન સ’અ્દ રદિ અલ્લાહુ ‘અન્હૂ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: બે ટાઈમ ની દુઆ રદ કરવામાં આવતી નથી અથવા ભાગ્યે જ રદ કરવામાં આવે છે: એક અઝાન સમયે અને બીજી જેહાદના સમયે, જ્યારે બંને લશ્કરો એકબીજાની સાથે લડવા લાગે.

અઝાન અને ઇકામત વચ્ચે

હઝરત અનસ રદિ અલ્લાહુ અન્હૂ થી મન્કૂલ છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: અઝાન અને ઇકામત વચ્ચેના ટાઈમની દુઆ રદ કરવામાં આવતી નથી.

(ઇકામત= બા-જમાઅત નમાઝ ની તકબીર)

અર્ધી રાતે

હઝરત ઉસ્માન બીન અબિલ-આસ સકફી રદિ અલ્લાહુ અન્હૂ થી મરવી છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: મધ્યરાત્રી (અર્ધી રાત) પસાર થયા પછી, આકાશના દરવાજા ખોલી નાખવામાં આવે છે, પછી એક ફરિશ્તો પુકારે છે: શું કોઈ દુઆ કરવા વાળો છે; જેથી તેની દુઆ કબૂલ કરવામાં આવે? શું કોઈ માંગવા વાળો છે; જેથી તેની માંગણી પૂરી કરવામાં આવે? શું કોઈ પરેશાન હાલ છે? જેથી તેની પરેશાની દૂર કરવામાં આવે? પછી જે કોઈ મુસલમાન દુઆ કરે, અલ્લાહ ત’આલા તેની દુઆ કબૂલ કરે છે, સિવાય કે ઝિના કાર ઔરત અને તે વ્યક્તિ કે જે લોકોના હક બળજબરીથી છીનવી લે છે.

ફર્ઝ નમાઝ પછી અને તહજ્જુદના સમયે

હઝરત અબૂ ઉમામા રદિ અલ્લાહુ અન્હૂ ફરમાવે છે કે એક વખત નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમને પૂછવામાં આવ્યું: કઈ દુઆ સૌથી વધુ સાંભળવામાં આવે છે? (અને વધુ કબૂલ કરવામાં આવે છે). આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: રાતના છેલ્લા ભાગ ની દુઆ અને ફર્ઝ નમાઝ પછીની દુઆ.

Check Also

દુઆની સુન્નતો અને આદાબ – ૫

(૧) દુઆની શરૂઆતમાં, અલ્લાહ તઆલાની હમ્દ-ઓ-સના (પ્રશંસા) કરો અને તે પછી નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ …