હઝરત ‘અલી રદિ અલ્લાહુ ‘અન્હુનો બુલંદ મકામ

નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત ‘અલી રદિ અલ્લાહુ ‘અન્હુને ફરમાવ્યું:

أنت مني وأنا منك (أي في النسب والمحبة) (صحيح البخاري، الرقم: ٢٦٩٩)

તમે મારાથી છો અને હું તમારાથી છું (એટલે કે આપણે બંને એક જ નસબના છીએ અને આપણી મોહબ્બત નો ત’અલ્લુક ખૂબ જ મજબૂત છે).

હઝરત અલી રદી અલ્લાહુ ‘અન્હુની ઈન્સાફ-પસંદી

‘અલી બિન રબીઆહનું બયાન છે કે એક વખત હઝરત જ’અ્દા બિન હબીરા રદિ અલ્લાહુ ‘અન્હુ હઝરત ‘અલી રદી અલ્લાહુ ‘અન્હુ પાસે આવ્યા અને તેમને કહ્યું:

અમીરુ-લ-મોમીનીન! અમે જોઈએ છીએ કે બે માણસો (તેમના ઝઘડો લઈને) તમારી પાસે આવે છે. તેમાંથી એક માણસ એવો છે કે જેને તમારા થી એટલી બધી મહોબ્બત છે કે તમે તેના નજદીક તેના ઘર નાં લોકો કરતાં અને માલો-મિલકત કરતાં વધુ વહાલા છો, જ્યારે કે બીજો માણસ એવો છે કે જો તે તમને ઝબહ (કતલ) કરવા પર કાબૂ મેળવી લે તો તે તમને (દુશ્મની નાં લીધે) ઝબહ કરી નાંખે, તેમ છતાં તમે તેના હકમાં અને તરફેણમાં ફેંસલો કરો છો જે તમારા થી દુશ્મની રાખે છે અને તમને નફરત કરે છે અને તેના ખિલાફ અને વિરુદ્ધ ફેંસલો કરો છો જે તમારા થી ખુબ જ મોહબ્બત કરે છે.

આ સાંભળીને હઝરત ‘અલી રદિ અલ્લાહુ અન્હુએ હઝરત જ’અ્દા રદિ અલ્લાહુ ‘અન્હુને તેમના સીના પર હાથ વડે હળવેથી માર્યું (એટલે કે તેઓ એ આવું કર્યું તેમના થી મોહબ્બત નાં કારણે અને તેમને પોતાની વાત તરફ ધ્યાન અપાવવા માટે) અને હઝરત ‘અલી રદિ અલ્લાહુ‌ ‘અન્હુ એ તેમને કહ્યું.

જો હું લોકો વચ્ચે મારા સંબંધો અને ત’અલ્લુક નાં આધાર પર ફેંસલો કરું, તો હું જેના હકમાં ફેંસલો કરવા માંગું, ફેંસલો કરી શકું; પરંતુ હું અલ્લાહ ત’આલાના હુકમ પર ફેંસલો કરું છું (તેથી હું તેના હકમાં ફેંસલો કરું છું તેમ છતાં કે તે મારા થી દુશ્મની રાખે છે જ્યારે કે તે હક પર હોય).

Check Also

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મહબૂબ (પ્રિય)

سئلت سيدتنا عائشة رضي الله عنها: أي أصحاب رسول الله صلى الله عليه وسلم كان …