અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની જવાબદારી – પ્રકરણ – ૨

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ કરવા વાળાની મહાન ફઝીલત અને ઉચ્ચ મર્તબો

દુનિયામાં અમારો મુશાહદો છે કે કોઈ પણ મઝહબ (ઘર્મ) અથવા દીન માત્ર તેજ સૂરતમાં બાકી રહી શકે છે અને ફેલાય શકે છે જ્યારે તે લોકો માંથી કોઈ જમાઅત હોય જે તે મઝહબ અથવા દીનની તબલીગ અને ઈશાઅત (પ્રકાશન) કરે છે.

આજ કારણથી દરેક નબીએ પોતાનાં ઝમાનામાં પોતાનાં અનુયાયીઓને હુકમ આપ્યો હતો કે તેઓ લોકોનાં દરમિયાન તેમનાં દીનની તબલીગ કરે અને તેમની તાલીમાત (શિક્ષાઓ) ને ફેલાવે.

પણ અમુક મુદ્દત પસાર થવા બાદ પાછલા અંબિયાએ કિરામ (અલૈ.)નાં મઝહબોને તેની કૌમોએ બદલી નાંખ્યા અને એવી વસ્તુઓ તેમાં ઈજાદ કરી દીઘી જે તે દીનમાં નહી હતી.

જ્યાં સુઘી દીને ઈસ્લાજમની વાત છે, તો અલ્લાહ તઆલાએ તે દીનની હિફાઝત તથા જાળવણીની જવાબદારી લીઘી છે. તેથી આ દીન કયામત સુઘી દરેક રીતે વિકૃતિ અને ફેરફાર (તહરીફ તથા તગયીર) થી સુરક્ષિત રહેશે, જોકે ઈસ્લામનાં દુશ્મનો તેને મિટાવવા અને તેની રોશનીને ઓલવવાની અવિચળ (અનથક) પ્રયત્નો કરે.

ઈસ્લામનો બચાવ કરવા વાળી જમાઅત

હઝરત રસૂલે ખુદા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ઈરશાદ છે કે મારી ઉમ્મતની એક જમાઅત હંમેશા અલ્લાહ તઆલાનાં અહકામ (એટલે શરીઅતનાં અહકામ) પર કાયમ રહેશે, તે જમાઅતને તે લોકો નુકસાન નહીં પહોંચાડી શકશે જેઓ તેનો સાથ ન આપે અથવા તેની મુખાલફત (વિરોધ) કરે (એટલે આ જમાઅત દીનને ફેલાવતા રહેશે અને દીનનો બચાવ કરતા રહેશે), અહિંયા સુઘી કે અલ્લાહ તઆલાનો હુકમ તેમનાં પર આવી જાય આ હાલમાં કે તેઓ દીન પર કાયમ છે (એટલે તેઓનાં પર મૌત આવી જાય અથવા તેઓ દુશ્મન પર ગાલિબ આવી જાય). (બુખારી શરીફ)

આ હદીષમાં જે જમાઅતનો ઝિકર થયો છે તેનાંથી મુરાદ સહાબએ કિરામ (રદિ.) અને ઉમ્મતનાં તે નેક ઉલમા અને અફરાદ (લોકો) છે જેઓ દરેક જમાનામાં દીને ઈસ્લામની હિફાઝત તથા જાળવણીમાં ઝર્રા બરાબર કોતાહી નથી કરતા.

એક બીજી હદીષ શરીફમાં છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે દરેક જમાનાનાં વિશ્વાસપાત્ર ઉલમા આ ઈલ્મને હાસિલ કરશે અને તેની હિફાઝત કરશે અને તેજ લોકો હદથી વધવા વાળાઓની તહરીફ (ફેરબદલી) ને, અત્યાચારીઓની વિકૃતિ, અસત્ય લોકોની નિંદા અને અજ્ઞાનીઓના અર્થઘટનને દૂર કરશે. (શર્હ મુશકિલુલ આસાર)

દીન (ધર્મ) પર કાયમ રેહવા વાળા અને દીનનાં રક્ષકોનો ઉચ્ચ મર્તબો

આપણા આકા તથા મૌલા નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાની ઉમ્મતને કયામતથી પેહલા એવા સખત ઝમાનાનાં આવવાની ભવિષ્યવાણી ફરમાવી છે જે ફિત્નાવો અને આઝમાઈશોથી ભરેલા હશે, તે ઝમાનામાં દુશ્મનોં દીને ઈસ્લામ પર દરેક તરફથી હમલાવો કરશે અને મુસલમાનોથી લડાઈ કરશે. દીનનાં દુશ્મનોં ઈસ્લામને સંપૂર્ણ પણે મિટાવવા પર તત્પર હશે અને વધારે પડતા લોકો નફસાની ઈચ્છાઓ અને ફિત્નાવોમાં મુબ્તલા હશે. તે ઝમાનામાં દીન પર બાકી રેહવુ ઘણુ મુશ્કિલ હશે.

તે ફિત્નાવોની સખ્તીને બયાન કરતા વેળા નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે લોકાો પર એક એવો ઝમાનો આવશે કે જે માણસ દીન પર મઝબૂતીથી કાયમ રહેશે તે તે માણસની જેમ હશે જે હાથમાં સળગતો અંગારો પકડી લે. (તિર્મિઝી શરીફ)

તેથી જે લોકો તે ફિત્નાવોથી ભરેલા ઝમાનામાં પોતાની વ્યક્તિગત અને સામૂહિક જીવનમાં દીન પર મજબૂતીથી કાયમ રહેશે અને સુન્નતને જીવીત કરશે ગમે ત્યાં તે લોકો જાય, તે લોકો અલ્લાહ તઆલાનાં પસંદીદા બંદાવો હશે, જેઓને જન્નતની ખુશ ખબરી આપવામાં આવી છે.

તેથી એક હદીષ શરીફમાં છે કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે ઈસ્લામની શરૂઆત ગરીબીની હાલતમાં થઈ છે અને ટૂંક સમયમાં તે ગરીબીની હાલતમાં પાછો થઈ જશે જેવી રીતે શરૂઆતમાં હતી. પસ ખુશ ખબરી છે ગરીબોનાં માટે. (મુસ્લિમ શરીફ)

એક બીજી રિવાયતમાં છે કે ગરીબોનાં માટે (જન્નતની) ખુશ ખબરી છે (અને તેઓ તે લોકો છે) જેઓ મારા દીન અને સુન્નતને દુરૂસ્ત કરશે જેને લોકોએ મારા (દુનિયાથી જવા પછી) બદલી નાંખી છે (એટલે બગાડી નાંખી છે). (તિર્મીઝી શરીફ)

એક બીજી રિવાયતમાં છે કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) સહાબએ કિરામ (રદિ.) ને ઈરશાદ ફરમાવ્યુ કે તમે લોકોને નેક કામોનો હુકમ આપો છો અને તેઓને બુરાઈથી રોકો છો અને અલ્લાહનાં રસ્તામાં જીહાદ કરો છો, પણ એક એવો સમય આવશે કે તમારા પર (મારી ઉમ્મત પર) દુનિયાની મોહબ્બત ગાલિબ આવી જશે, તો તે સમયે તમે (મારી ઉમ્મત) નેક કામોનો હુકમ નહી આપશો અને બુરાઈથી નહી રોકશો અને અલ્લાહનાં રસ્તામાં જીહાદ નહી કરશો, તે સમયનાં લોકો જેઓ કિતાબો સુન્નત પર અમલ કરશે, તે મુહાજીરીન અને અન્સારનાં મુશાબેહ હશે (જેઓએ ઈસ્લામનાં શરૂઆતમાં દીનનાં માટે કુરબાનીઓ આપી છે). (મજમઉજ ઝવાઈદ)

આ હદીષ પાકથી તે લોકોની ફઝીલત તથા મહાનતા સારી રીતે જાહેર છે જેઓ અમ્ર બિલ મારૂફ અને નહી અનીલ મુનકરનો ફરીઝો (ફરજ) અંજામ આપો છે, કારણકે તેઓ દીનની હિફાઝત તથા જાળવણીનાં માટે અંબિયાએ કિરામ (અલૈ.) નાં નકશે કદમ પર ચાલી રહ્યા છે.

Source: http://ihyaauddeen.co.za/?p=18719


Check Also

ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૭

શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહિમહુલ્લાહ શૈખુલ-ઈસ્લામ હઝરત મૌલાના હુસૈન અહમદ મદની રહ઼િમહુલ્લાહ સૈયદ …