સુરએ તકાષુરની તફસીર

بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ

اَلۡہٰکُمُ  التَّکَاثُرُ ۙ﴿۱﴾ حَتّٰی زُرۡتُمُ  الۡمَقَابِرَ ؕ﴿۲﴾ کَلَّا  سَوۡفَ تَعۡلَمُوۡنَ ۙ﴿۳﴾ ثُمَّ  کَلَّا سَوۡفَ تَعۡلَمُوۡنَ ؕ﴿۴﴾ کَلَّا لَوۡ تَعۡلَمُوۡنَ عِلۡمَ  الۡیَقِیۡنِ ؕ﴿۵﴾ لَتَرَوُنَّ  الۡجَحِیۡمَ ۙ﴿۶﴾ ثُمَّ لَتَرَوُنَّہَا عَیۡنَ الۡیَقِیۡنِ ۙ﴿۷﴾ ثُمَّ لَتُسۡـَٔلُنَّ یَوۡمَئِذٍ عَنِ النَّعِیۡمِ ﴿۸﴾ ‎

અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને કૃપાળુ છે.

એક બીજાથી વધારે (દુનયવી સાજો સામાન) હાસિલ કરવાની લાલચે તમને (આખિરતથી) ગફલતમાં નાંખી દીઘા છે. (૧) અહિંયા સુઘી કે તમે કબ્રસ્તાનમાં પહોંચી જાઓ છો. (૨) (પણ) કંઈ નહિ, તમને બહુ જલદી (મરવાની સાથેજ) ખબર પડી જશે. (૩) ફરી પણ કંઈ નહિ, તમને બહુ જલદી ખબર પડી જશે. (૪)  કંઈ પણ નહિ ! અગર તમે યકીની રીતે જાણી લેતે (તો કદાપી આવુ ન કરતે). (૫) ચોક્કસ તમે જહન્નમને અવશ્ય નિહાળશો. (૬) પછી તમે તેને યકીનની આંખે અવશ્ય જોઈ લેશો. (૭) પછી તે દિવસે તમને સૌને (દુનિયાની) નેઅ્મતો વિશે જરૂર પૂછવામાં આવશે (કે તેનો શું હક અદા કર્યો?). (૮)

તફસીર

اَلۡہٰکُمُ  التَّکَاثُرُ ۙ﴿۱﴾ حَتّٰی زُرۡتُمُ  الۡمَقَابِرَ ؕ﴿۲﴾ کَلَّا  سَوۡفَ تَعۡلَمُوۡنَ ۙ﴿۳﴾ ثُمَّ  کَلَّا سَوۡفَ تَعۡلَمُوۡنَ ؕ﴿۴﴾

એક બીજાથી વધારે (દુનયવી સાજો સામાન) હાસિલ કરવાની લાલચે તમને (આખિરતથી) ગફલતમાં નાંખી દીઘા છે. (૧) અહિંયા સુઘી કે તમે કબ્રસ્તાનમાં પહોંચી જાઓ છો. (૨) (પણ) કંઈ નહિ, તમને બહુ જલદી (મરવાની સાથેજ) ખબર પડી જશે. (૩) ફરી પણ કંઈ નહિ, તમને બહુ જલદી ખબર પડી જશે. (૪)

દુનયવી માલ અને વસ્તુઓની હવસ અને તેને હાસિલ કરવાની પ્રતિયોગીતા (મુકાબલા બાઝી) એ ઈન્સાનને પોતાની જીંદગીનાં અસલ મકસદથી ગાફિલ કરી (ભટકાવી) દીઘા છે. ઈન્સાનની જીંદગીનો અસલ મકસદ આ છે કે તે અલ્લાહ તઆલાની રઝામંદી (સંમતિ) હાસિલ કરે અને જન્નતને હાસિલ કરવા માટે પ્રયત્ન કરે, પરંતુ અફસોસ છે કે દુનયવી માલ અને દૌલતનાં અંદર ઈન્સાન વ્યસ્ત થઈ ગયો છે અને એક બીજાની સાથે તેને હાસિલ કરવાની પ્રતિયોગીતા(મુકાબલા બાઝી) કરવામાં પડી ગયા છે.

આ આયતે કરીમા માં અલ્લાહ તઆલા ઈન્સાનની ફરિયાદ કરી રહ્યા છે કે તે જીંદગી ભર વધારે થી વધારે માલો દૌલત હાસિલ કરવાની ફિકર કરતા રહે છે અને એક-બીજાની સાથે મુકાનલો કરવાની કોશિશ કરતા રહે છે. અહિંયા સુઘી કે તેઓની જીંદગી ખતમ થઈ જાય છે અને તે કબરમાં પહોંચી જાય છે.

હઝરત અબ્દુલ્લાહ બિન શિખ્ખીર (રદિ.) ફરમાવે છે કે હું એક વખત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં હાજર થયો, તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) આ સૂરત (એટલે સુરએ તકાષુર) ની તિલાવત કરી રહ્યા હતા. સૂરત પઢવા બાદ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુઃ ઈબ્ને આદામ (ગર્વથી) કહે છેઃ મારો માલ, મારી દૌલત. જ્યારે કે તમને તમારી દૌલતથી કોઈ ફાયદો હાસિલ નથી થઈ રહ્યો. આના સિવાય કે જે તમે ખાઈ લીઘુ અને પૂરૂ કરી દીઘુ અથવા તમે પેહરી લીઘુ અને જુનું કરી નાંખ્યુ અથવા તે માલ જે તમે સદકો કરી દીઘો અને અગાળી મોકલી દીઘુ (એટલે આખિરતનાં માટે મોકલી દીઘું).

મુસ્લિમ શરીફની હદીષમાં આ પણ બયાન કરવામાં આવ્યુ છે કે ઈન્સાન દરેક માલ સિવાય એનો જેનું વર્ણન (તઝકિરો) ઊપરવાળી હદીષમાં આવ્યુ છે (તેની મૌત બાદ) બીજાઓનાં માટે (વારસદારોનાં માટે) રહી જશે.

ઈન્સાનની ફિતરત છે કે તેને જેટલો પણ માલ મળી જાય તે તેના પર કનાઅત (સંતોષ) નહી કરશે, બલકે તે હંમેશા વધારેથી વધારે માલ ભેગુ કરવા અને તેને વધારવાની ફિકરમાં લાગેલો રહેશે. ઈન્સાનનાં તેજ વધારે લાલચ અને હવસને બયાન કરતા વેળા નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ છે કે અગર આદમની ઔલાદને સોનાની એક ખીણ(વાદી) મળી જાય, તો તે બીજી ખીણ(વાદી)ની ઈચ્છા કરશે અને (અંતે) કબરની મંટોડીનાં વગર કોઈ પણ વસ્તુ તેનું પેટ નહી ભરશે. અને અલ્લાહ તઆલા તૌબા કરવા વાળાની તૌબા કબૂલ ફરમાવે છે.

کَلَّا لَوۡ تَعۡلَمُوۡنَ عِلۡمَ  الۡیَقِیۡنِ ؕ﴿۵﴾

કંઈ પણ નહિ ! અગર તમે યકીની રીતે જાણી લેતે (તો કદાપી આવુ ન કરતે). (૫)

આ આયતે કરીમા માં અલ્લાહ તઆલા બયાન ફરમાવી રહ્યા છે કે એ લોકો ! અગર તમે ચોક્કસપણે જાણી લેતે તો કદાપી તમે એવુ ન કરતે. બીજા શબ્દોમાં એમ કેહવામાં આવે કે અગર તમે મૌતની હકીકત પર વિચારતે અને પોતાના અંજામ પર સોચ-વિચાર કરતે કે એક દિવસે આપણે મરવાનું છે અને દુનિયાની સંપદાને છોડીને જવાનુ છે, તો તમે કદાપી દુનિયામાં વ્યસ્ત થઈને આખિરતથી બેદરકારી ન વરતતે.

لَتَرَوُنَّ  الۡجَحِیۡمَ ۙ﴿۶﴾ ثُمَّ لَتَرَوُنَّہَا عَیۡنَ الۡیَقِیۡنِ ۙ﴿۷﴾

ચોક્કસ તમે જહન્નમને અવશ્ય નિહાળશો. (૬) પછી તમે તેને યકીનની આંખે અવશ્ય જોઈ લેશો. (૭)

યકીનનાં ઘણાં બઘા દરજાવો હોય છેઃ યકીનનો પેહલો દરજો ઈલ્મુલ યકીન છે. ઈલ્મુલ યકીણ આ છે કે માણસને કોઈ વસ્તુનો યકીન માનસિક રીતે હાસિલ થાય. યકીનનો બીજો દરજો અયનુલ યકીન છે. અયનુલ યકીન આ છે કે દિમાગમાં જે વસ્તુનો યકીન હતો માણસ તે યકીની વાતને પોતાની આંખોની સામે જોય લે અને આ અયનુલ યકીનનો દરજો યકીનનો સૌથી ઊંચો દરજો છે. આ વાત વાસ્તવિક છે કે કોઈ વસ્તુને જોઈને જે યકીન હાસિલ થાય છે, તેનો દરજો તે યકીનથી વધેલો છે. તે યકીનનાં મુકાબલામાં જે માત્ર ઈલ્મથી હાસિલ થાય. ઉદાહરણ તરીકે એક માણસને સાંપ અને તેનાં નુકસાનનાં વિષે પાક્કી ખબર હોય, પણ સાંપ તે માણસની સામે આવી જાય અને તે તેનાં નુકસાનને જોઈ લે, તો સાંપથી સંબંધિત તેનું યકીન વધી જાય છે અને તેનું યકીન ઈલ્મુલ યકીન થી અયનુલ યકીન સુઘી પહોંચી જાય છે.

હઝરત મૂસા (અલૈ.)ને અલ્લાહ તઆલાની કુદરતનો પૂરો ઈલ્મ હતો અને સાંપનાં વિષે પણ તેમને જાણકારી હતી. પણ જ્યારે અલ્લાહ તઆલાએ તેમને હુકમ આપ્યો કે પોતાની લાકડી જમીન પર નાંખી દે અને અલ્લાહ તઆલાનાં હુકમથી તે લાકડી સાંપની શકલમાં બદલાઈ ગઈ તો હઝરત મૂસા (અલૈ.) તરતરજ પછાળી હટીને ભાગવા લાગ્યા. આનાંથી ખબર પડી કે કોઈ વસ્તુને જોઈને મુશાહદો કરવુ (જાણી લેવુ) તે વસ્તુનું માત્ર ઈલ્મ રાખવાથી બિલકુલ અલગ છે એટલે અયનુલ યકીનનો દરજો ઈલ્મુલ યકીનનાં દરજાથી વધારે વધેલો છે.

ثُمَّ لَتُسۡـَٔلُنَّ یَوۡمَئِذٍ عَنِ النَّعِیۡمِ ﴿۸﴾

પછી તે દિવસે તમને સૌને (દુનિયાની) નેઅ્મતો વિશે જરૂર પૂછવામાં આવશે (કે તેનો શું હક અદા કર્યો?) (૮)

કયામતનાં દિવસે દરેક માણસને તે બઘી નેઅમતોનાં વિષે સવાલ કરવામાં આવશે જેનાંથી તેણે દુનિયામાં ફાયદો ઉઠાવ્યો. ઉદાહરણ તરીકે સમય, તંદુરસ્તી અને માલ વગૈરહથી સંબંઘિત પૂછવામાં આવશે. કુર્આને કરીમમાં બીજી જગ્યાએ અલ્લાહ તઆલાનો ઈરશાદ છેઃ

اِنَّ السَّمۡعَ وَالۡبَصَرَ وَالۡفُؤَادَ کُلُّ اُولٰٓئِکَ کَانَ عَنۡہُ مَسۡـُٔوۡلًا

બેશક કાન, આંખ અને દિલ આ બઘી (નેઅમતો)નાં વિષે પૂછવામા આવશે

આ આયતે કરીમા આપણને સ્પષ્ટ રીતે બતાવી રહી છે કે કયામતનાં દિવસે દરેક માણસથી કાન, આંખ અને દિલો દિમાગ વગૈરહથી સંબંઘિત સવાલ થશે કે તેણે તે નેઅમતોનો ઈસ્તેમાલ ગુનાહોં અને નાફરમાનિયોંમાં કર્યો અથવા અલ્લાહ તઆલાની ઈતાઅત તથા ફરમાંબરદારી માં કર્યો. એવીજ રીતે આ પણ સવાલ થશે કે તેેણે આઅમાલ કરતા સમયે શું નિય્યત કરી અને અલ્લાહ તઆલા અને મખલૂકનાં વિષે તેણે શું ગુમાન કર્યું. એક હદીષ શરીફમાં વારિદ છે કે કયામતનાં દિવસે (હશરનાં મૈદાનમાં) કોઈ પણ ઈન્સાન પોતાની જગ્યાએથી ત્યાં સુઘી હલી નહીં શકશે, જ્યાં સુઘી તેનાંથી પાંચ વસ્તુઓનાં વિષે સવાલ કરી લેવામાં ન આવેઃ

(૧) ઉમર કઈ વસ્તુમાં પસાર કરી?

(૨) જવાની કઈ વસ્તુમાં ઉપયોગ કરી?

(૩) માલ ક્યાંથી હાસિલ કર્યો?

(૪) માલ ક્યાં ખર્ચ કર્યો?

(૫) અને ઈલ્મ પર કેટલો અમલ કર્યો?

સામાન્ય રીતે લોકો ઈલ્મને  ફખરનાં કાબિલ વસ્તુ સમજે છે, પણ આપણે આ ન ભૂલવુ જોઈએ કે  ઈલ્મ મહત્તવપૂર્ણ નેઅમત છે. આપણને આ નેઅમતનાં વિષે સવાલ થશે કે આપણે પોતાનાં ઈલ્મ પર કેટલો અમલ કર્યો. તેથી અગર આપણે પોતાનાં ઈલ્મ પર અમલ નથી કર્યો, તો કયામતનાં દિવસે આપણી પકડ થશે.

 

Check Also

સૂરહ ઇખ્લાસની તફસીર

قُل هُوَ اللّٰهُ اَحَدٌ ‎﴿١﴾‏ اللّٰهُ الصَّمَدُ ‎﴿٢﴾‏ لَم يَلِدْ وَلَم يُوْلَد ‎﴿٣﴾‏ وَلَمْ يَكُن …