સુરએ અલક ની તફસીર

بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ

اِقۡرَاۡ بِاسۡمِ رَبِّکَ الَّذِیۡ خَلَقَ ۚ﴿۱﴾ خَلَقَ الۡاِنۡسَانَ مِنۡ عَلَقٍ ۚ﴿۲﴾ اِقۡرَاۡ وَ رَبُّکَ الۡاَکۡرَمُ ۙ﴿۳﴾ الَّذِیۡ عَلَّمَ بِالۡقَلَمِ ۙ﴿۴﴾ عَلَّمَ الۡاِنۡسَانَ مَا لَمۡ  یَعۡلَمۡ ؕ﴿۵﴾ کَلَّاۤ  اِنَّ  الۡاِنۡسَانَ  لَیَطۡغٰۤی ۙ﴿۶﴾ اَنۡ  رَّاٰہُ  اسۡتَغۡنٰی ﴿ؕ۷﴾ اِنَّ  اِلٰی رَبِّکَ  الرُّجۡعٰی ؕ﴿۸﴾  اَرَءَیۡتَ الَّذِیۡ یَنۡہٰی ۙ﴿۹﴾ عَبۡدًا اِذَا صَلّٰی ﴿ؕ۱۰﴾ اَرَءَیۡتَ  اِنۡ کَانَ عَلَی الۡہُدٰۤی ﴿ۙ۱۱﴾ اَوۡ  اَمَرَ  بِالتَّقۡوٰی ﴿ؕ۱۲﴾ اَرَءَیۡتَ  اِنۡ کَذَّبَ وَ تَوَلّٰی ﴿ؕ۱۳﴾ اَلَمۡ یَعۡلَمۡ بِاَنَّ اللّٰہَ یَرٰی ﴿ؕ۱۴﴾ کَلَّا لَئِنۡ لَّمۡ یَنۡتَہِ ۬ۙ لَنَسۡفَعًۢا بِالنَّاصِیَۃِ ﴿ۙ۱۵﴾ نَاصِیَۃٍ کَاذِبَۃٍ خَاطِئَۃٍ ﴿ۚ۱۶﴾ فَلۡیَدۡعُ نَادِیَہٗ ﴿ۙ۱۷﴾ سَنَدۡعُ  الزَّبَانِیَۃَ ﴿ۙ۱۸﴾ کَلَّا ؕ لَا تُطِعۡہُ وَ اسۡجُدۡ وَ اقۡتَرِبۡ ﴿۱۹﴾

અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને કૃપાળુ છે.

(હે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)) તમો (કુર્આન) પોતાના પરવરદિગારનું નામ લઈ પઢ્યા કરો, જેણે પેદા કર્યા (દરેક મખલૂક ને) (૧) જેણે મનુષ્યને જામી ગયેલા લોહીનાં લોથડાથી પેદા કર્યા (૨) આપ કુર્આન પઢ્યા કરો અને આપનો પરવરદિગાર અતિશય રહમવાળો છે (૩) જેણે કલમ વડે ઈલ્મ શીખવ્યુ (૪) અને મનુષ્યને એવી વાતો શીખવી કે જેને તે જાણતો ન હતો (૫) ખરેખર બેશક માણસ (મનુષ્યતાની) હદથી નીકળી જાય છે (૬) એ કારણે કે તે પોતાને બેપરવા (બેનિયાઝ) જુએ છે (૭) (હે મુખાતબ) બેશક, આપના પરવરદિગારની જ તરફ સૌને પાછા જવાનું છે (૮) (હે મુખાતબ) વારુ, આપે તે માણસ (અબુ જહલ) ને જોયો જે (નમાઝથી) રોકે છે? (અમારા) એક બંદા (હઝરત મુહમંદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને જ્યારે કે તે નમાઝ પઢે છે (૯) (૧૦) (હે મુખાતબ) વારુ, જુઓ તો ખરા અગર તે (રોકનાર) (હઝરત મુહમંદ સલ્લલલ્લાહુ અલયહિ વસલ્લમ) હિદાયત પર હોય (૧૧) અથવા તે (બીજાઓને) તકવા (પરહેઝગારી) ની શિખામણ આપતો હોય (૧૨) (હે મુખાતબ)  વારુ, જુઓ તો ખરા અગર તે (અબુ જહલ (ઈસ્લામને) જૂઠાડતો હોય અને તેનાથી મોઢું ફેરવતો હોય (૧૩) શું તે આ જાણતો નથી કે અલ્લાહ તઆલા જોઈ રહ્યા છે? (૧૪) કંઈ નહિ, અગર તે અટકશે નહિ, તો જરૂર (તેની) પેશાની નાં બાલ પકડી (દોઝખ તરફ) ઘસડીશું તે પેશાનીનાં બાલ જે જૂઠા અને ગુનેહગાર છે (૧૫) (૧૬) હવે તેને જોઈએ કે પોતાની મજલિસ(સભા) વાળાઓ ને બોલાવી લે (૧૭) અમે પણ (શિક્ષા માટે) દોઝખના ફરિશ્તાઓને બોલાવીશું (૧૮) કંઈ નહિ, આપ તેનું કહેવું માનશો નહિ અને નમાઝ પઢતા રહો અને કુર્બ (એટલે અલ્લાહ તઆલાની નઝદીકી) હાસિલ કરતા રહો (૧૯)

(થોડો ફેરફારની સાથે બયાનુલ કુર્આનમાંથી લેવામાં આવ્યુ છે)

તફસીર

اِقۡرَاۡ بِاسۡمِ رَبِّکَ الَّذِیۡ خَلَقَ ۚ﴿۱﴾ خَلَقَ الۡاِنۡسَانَ مِنۡ عَلَقٍ ۚ﴿۲﴾ اِقۡرَاۡ وَ رَبُّکَ الۡاَکۡرَمُ ۙ﴿۳﴾ الَّذِیۡ عَلَّمَ بِالۡقَلَمِ ۙ﴿۴﴾ عَلَّمَ الۡاِنۡسَانَ مَا لَمۡ  یَعۡلَمۡ ؕ﴿۵﴾

(હે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)) તમો (કુર્આન) પોતાના પરવરદિગારનું નામ લઈ પઢ્યા કરો, જેણે પેદા કર્યા (દરેક મખલૂક ને) (૧) જેણે મનુષ્યને જામી ગયેલા લોહીનાં લોથડાથી પેદા કર્યા (૨) આપ કુર્આન પઢ્યા કરો અને આપનો પરવરદિગાર અતિશય રહમવાળો છે (૩) જેણે કલમ વડે ઈલ્મ શીખવ્યુ (૪) અને મનુષ્યને એવી વાતો શીખવી કે જેને તે જાણતો ન હતો (૫)

આ પાંચ આયતો આખા કુર્આન મજીદમાં સૌથી પેહલા નાઝિલ થઈ. રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર વહીનાં નુઝૂલનો સિલસિલો સાચા સપનાઓ થી શરૂ થયો કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને રાત્રે જે પણ સપનામાં દેખાતુ, તે દિવસમાં તેવુજ સવારનાં અજવાળાની જેમ દેખાઈ જતુ હતુ.

ત્યારપછી આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં દિલમાં મખલૂકથી એકાંતવાસ અને એકાંતમાં ઈબાદત કરવાની સખત ઈચ્છા પૈદા થઈ. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને એકાંતવાસ અને એકાંતમાં રેહવાનુ પસંદ થયુ, તેથી આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ગારે હિરામાં (જે જબલે નૂર પર છે) એકાંત માં બેસીને અલ્લાહ તઆલાની ઈબાદત કરવા લાગ્યા. તેથી આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પોતાની સાથે ભથ્થુ લઈ જતા અને ઘણા બઘા દિવસો સુઘી ગારે હિરામાં એકાંતમાં અલ્લાહ તઆલા નો ઝિક્ર કરતા. ક્યારેક આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) દસ દિવસ સુઘી ગારે હિરામાં રેહતા અને ક્યારેક વીસ દિવસ સુઘી રેહતા અને ક્યારેક તમો એક મહીના સુઘી ગારે હિરા માં રોકાતા અને અલ્લાહ તઆલાની ઈબાદતમાં સમય પસાર કરતા.

એક વખત આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ગારે હિરામાં હતા કે હઝરત જીબ્રઈલ (અલૈ.) ઉપસ્થિત થયા અને આપને સંબોધિને ફરમાવ્યુઃ إقرأ “તમો પઢો”. નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) જવાબ આપ્યોઃ ما أنا بقارئ “હું પઢવાનું જાણતો નથી”. હઝરત જીબ્રઈલ (અલૈ.) આપને એટલી જોરથી દબાવ્યા કે આપને પીડા અનુભવાઈ. પછી હઝરત જીબ્રઈલ (અલૈ.) આપને છોડી દીઘા અને ફરીથી ફરમાવ્યુઃ إقرأ ما أنا بقارئ “તમો પઢો”. નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) તેજ જવાબ આપ્યોઃ “હું પઢવાનું જાણતો નથી”. હઝરત જીબ્રઈલ (અલૈ.) ફરીથી આપને જોરથી દબાવ્યા અને છોડી દીઘા. પછી ત્રીજી વાર આપથી ફરમાવ્યુઃ إقرأ “તમો પઢો”.

નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ત્રીજી વાર પણ તેજ જવાબ આપ્યોઃ ما أنا بقارئ “હું પઢવાનું જાણતો નથી”. પછી હઝરત જીબ્રઈલ (અલૈ.) આપને જોરથા દબાવ્યા અને ઉપરોક્ત પાંચ આયતોની તિલાવત ફરમાવી. આ તે સમય હતો કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નુબુવ્વતથી સનમાનિત કરવામાં આવ્યા.

હઝરત જીબ્રઈલ (અલૈ.) ની આ પેહલી મુલાકાત બાદ આપ (સલ્લલ્લાહુઅ અલયહિ વસલ્લમ) ઘરે તશરીફ લઈ ગયા. આપ આ વાતને વિચારી ઘણાં ફિકરમાં હતા કે હું નુબવ્વતની મહાન જવાબદારીને કઈરીતે અદા કરીશ? ઘરે પહોંચીને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પોતાની બીવી મોહતરમા હઝરત ખદીજા (રદિ.)ને ગારે હિરાનો પૂરો વાકિઓ બયાન કર્યો. અને નુબુવ્વતનાં વિષે તેમની ફિકરને ઝિક્ર ફરમાવી. હઝરત ખદીજ (રદિ.) આપને તસલ્લી આપી અને સુંતુષ્ટતા અપાવી કે આપ ફિકર ન કરો. અલ્લાહ તઆલા આપનાં ઉચ્ચ સંસ્કાર તથા ભૂમિકા અને સાફ લક્ષણોનાં કારણે આપની હંમેશા મદદ ફરમાવશે.

હઝરત ખદીજા (રદિ.) ફરમાવ્યુઃ “આ આપનાં માટે અલ્લાહ તઆલાની તરફથી ખુશ-ખબરી છે. અલ્લાહ તઆલાની કસમ ! અલ્લાહ તઆલા આપને કદાપી નાકામ નહી થવા દેશે, અલ્લાહ તઆલા ની કસમ ! આપ દયાભાવ દાખવો છે, હંમેશા સાચુ બોલો છો, પીડિતો અને મુસિબતમાં ફસાયેલા લોકોનો બોજો ઉઠાવો છો, લાચાર લોકોનાં માટે કમાવો છો, મેહમાન નવાઝી કરો છો અને દુઃખી અને હાદસાઓનાં શિકાર લોકોની મદદ કરો છો.” (બુખારી શરીફ)

હઝરત ખદીજા (રદિ.) નાં સંતોષકાર આશ્વાસન સાંભળી આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને રાહત અનુભવાઈ અને આપનો ગમ દૂર થયો. હઝરત ખદીજા (રદિ.) ઈન્સાનોમાં સૌથી પેહલા આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં મુબારક હાથ પર ઈસ્લામમાં દાખલ થયા.

اِقۡرَاۡ بِاسۡمِ رَبِّکَ الَّذِیۡ خَلَقَ ۚ﴿۱﴾ خَلَقَ الۡاِنۡسَانَ مِنۡ عَلَقٍ ۚ﴿۲﴾

(હે પયગંબર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)) તમો (કુર્આન) પોતાના પરવરદિગારનું નામ લઈ પઢ્યા કરો, જેણે પેદા કર્યા (દરેક મખલૂક ને) (૧) જેણે મનુષ્યને જામી ગયેલા લોહીનાં લોથડાથી પેદા કર્યા (૨)

આ સૂરતની શરૂઆતમાં અલ્લાહ તઆલાએ રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને હુકમ આપ્યો છે કે તમો કુર્આને પાકની તિલાવત “بسم الله” થી (અલ્લાહ તઆલાનાં નામથી) શરૂ કરો, તેથી આપણે પણ કુર્આને પાકની તિલાવતની શરૂઆત “بسم الله الرحمن الرحیم” થી કરવુ જોઈએ.

તથા આ આયતોમાં અલ્લાહ તઆલાએ પોતાનો પરિચય ઈન્સાનની સામે કર્યો અને તેમને એ ખબર આપી છે કે તેજ કાઈનાત (બ્રહ્માંડ) માંથી દરેક વસ્તુનો ખાલિક છે. તથા અલ્લાહ રબ્બુલ ઈઝ્ઝતે ઈન્સાનને તેની બનાવટની પ્રારંભિક સ્થિતિ અને અસલીય્યત યાદ અપાવી છે કે ઈન્સાન અસલમાં ખૂનનો નાપાક લોથડો હતો, પરંતુ તેજ નાપાક ખૂનથી અલ્લાહ તઆલાએ તેને ખૂબસૂરત તરીન શકલ વ સૂરત અર્પણ કરી અને તેને એટલી શક્તિ વ યોગ્યતા આપી કે અગર તે દીનની મેહનત વ પરિશ્રમ કરે, તો તે નેકી વ તકવામાં ફરિશ્તાઓથી પણ અગાળી વઘી શકે છે.

اِقۡرَاۡ وَ رَبُّکَ الۡاَکۡرَمُ ۙ﴿۳﴾

આપ કુર્આન પઢ્યા કરો અને આપનો પરવરદિગાર અતિશય રહમવાળો છે (૩)

આ આયતે કરીમા માં અલ્લાહ તઆલાએ ફરીથી કુર્આનની તિલાવતનો હુકમ આપ્યો છે, તથા આ બયાન કર્યુ છે કે તે ઘણોજ કરીમ ઝાત છે. અલ્લાહ તઆલાએ પોતાની સિફત “કરીમ” નો ઊલ્લેખ કરીને આ વાતની તરફ ઈશારો ફરમાવ્યો છે કે ઈન્સાન માત્ર અલ્લાહ તઆલાનાં કરમથી અને અલ્લાહ તઆલાની તૌફીકથી કુર્આને કરીમની તિલાવત અને ઝિકરૂલ્લાહ કરી શકે છે. અગર અલ્લાહ તઆલા ઈન્સાન પર ફઝલ વ કરમ ન ફરમાવે, તો ઈન્સાન કોઈ પણ ખૈર વ ભલાઈ હાસિલ નથી કરી શકતો.

الَّذِیۡ عَلَّمَ بِالۡقَلَمِ ۙ﴿۴﴾ عَلَّمَ الۡاِنۡسَانَ مَا لَمۡ  یَعۡلَمۡ ؕ﴿۵﴾

જેણે કલમ વડે ઈલ્મ શીખવ્યુ (૪) અને મનુષ્યને એવી વાતો શીખવી કે જેને તે જાણતો ન હતો (૫)

અલ્લાહ તઆલાએ ઈન્સાનને કલમ વડે ઈલ્મ (જ્ઞાન) અર્પણ ફરમાવ્યુ, જેનાં વડે તે દીનમાં તરક્કી કરી શકે છે અને અલ્લાહ તઆલાની મારીફત (પેહચાન) પ્રાપ્ત કરી શકે છે, પરંતુ આ વાત જાહેર છે કે જેવી રીતે અલ્લાહ તઆલા એ ઈન્સાનને કલમ વડે તાલીમ (શિક્ષણ) આપ્યુ છે એવીજ રીતે અલ્લાહ તઆલા ઈન્સાનને કલમ વગર પણ શિક્ષણ આપી શકે છે. તેથી અલ્લાહ તઆલાએ ઈન્સાનોને વિભિન્ન શક્તિઓ અને યોગ્યતાઓ અર્પણ કરી છે. જેવી રીતે કે સાંભળવાની શક્તિ, જોવાની કુદરત અને સમજવાની ક્ષમતા અર્પણ ફરમાવી. આ દરેક વસ્તુઓનાં વડે ઈન્સાન ઈલ્મ (જ્ઞાન) પ્રાપ્ત કરે છે અને સહીહ પરિણામ સુઘી પહોંચે છે.

کَلَّاۤ  اِنَّ  الۡاِنۡسَانَ  لَیَطۡغٰۤی ۙ﴿۶﴾ اَنۡ  رَّاٰہُ  اسۡتَغۡنٰی ﴿ؕ۷﴾

ખરેખર બેશક માણસ (મનુષ્યતાની) હદથી નીકળી જાય છે (૬) એ કારણે કે તે પોતાને બેપરવા (બેનિયાઝ) જુએ છે (૭)

અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ ઈન્સાનને ઘણી બઘી સલાહિય્યતો અને શક્તીઓ અર્પણ ફરમાવી, જેનાં દ્વારા તે જ્ઞાન અને સમજ હાસિલ કરે છે, પણ ઈન્સાન અલ્લાહ તઆલા ને અને અલ્લાહ તઆલાની બઘી નેમતોં ને ભૂલી જાય છે અને તે પોતાની સફળતા અને પ્રગતી પોતાની મેહનત અને મુજાહદા (સંઘર્ષ)નો પરિણામ સમજે છે. જ્યારે ઈન્સાન અલ્લાહ તઆલાથી સંપૂર્ણ પણે ગાફિલ. થઈ જાય છે. તો તેનો પરિણામ આ છે કે તે પોતાનાં નફ્સનો ગુલામ બની જાય છે અને અલ્લાહ તઆલાની નાફરમાનીમાં જીવન ગુજારે છે અને અંતમાં તે શરીઅતની દરેક મર્યાદા અને પ્રતિબંઘથી અગાળી નિકળી જાય છે.

આ આયતે કરીમામાં અલ્લાહ તઆલા બયાન ફરમાવી રહ્યા છે કે ઈન્સાનનો વિદ્રોહ અને સરકશી અને અલ્લાહ તઆલાનાં હુકમોથી મોઢુ ફેરવવાનુ મુખ્ય કારણ આ છે કે તે પોતાને આત્મનિર્ભર અને નિસ્વાર્થ સમજે છે. તે આ ખોટા ગુમાનમાં સપડાય જાય છે કે જ્યારે તેની પાસે તાકત અને શક્તી છે અને માલો દૌલતનો માલિક છે, તો તે કોઈનો મોહતાજ નથી અને તેને કોઈની વાત સાંભળવાની જરૂરત નથી. હકીકત આ છે કે જ્યાંસુઘી ઈન્સાન પોતાની નિર્બળતા તથા કમઝોરીને યાદ રાખે કે કેવી રીતે અલ્લાહ તઆલાએ તેને નાપાક લોહીના લોથડાથી પૈદા કર્યો (અને આખુ જીવન તેનાં પર ફઝલ વ કરમ ફરમાવ્યુ) તો તે સીરાતે મુસ્તકીમ અને દીઘા માર્ગ પર કાઈમ રહેશે.

આ આયતે કરીમામાં જે વ્યક્તિનો વર્ણન કરવામાં આવ્યો છે તે અબુ જહલ છે, જે પોતાને આત્મનિર્ભર સમજતો હતો અને દરેક સીમાઓથી અગાળી વઘી ગયો હતો. અગરચે અલ્લાહ તઆલાએ તેને માન-સન્માન અને ગૌરવ, માલો-દૌલત અને પ્રસિદ્ઘી (શોહરત) દરેક નેમતો અર્પણ કરી હતી, પણ તે છતા તેણે અલ્લાહ તઆલાની નાફરમાની કરી અને પોતાની દરેક સલાહિય્યતો અને નેમતોંને પોતાનો વ્યક્તિગત કમાલ સમજ્યો અને તે છતાં પણ કે તે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં ખાનદાન થી હતો, તેણે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની નુબુવ્વતનો ઈનકાર કર્યો અને રાત-દિવસ ઈસ્લામનાં વિરૂદ્ધ ષડયંત્ર રચ્યુ. તેની સામે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું નબીએ બરકહ (સાચા નબી) હોવુ બિલકુલ સ્પષ્ટ હતુ, પણ તેણે માત્ર અહંકાર અને તકબ્બુરનાં કારણે આપની રિસાલતને કબૂલ ન કરી અને હદથી અગાળી નિકળી ગયો.

اِنَّ  اِلٰی رَبِّکَ  الرُّجۡعٰی ؕ﴿۸﴾

(હે મુખાતબ) બેશક, આપના પરવરદિગારની જ તરફ સૌને પાછા જવાનું છે (૮)

આ આયતે કરીમા માં અલ્લાહ તઆલા ઈન્સાનને સંબોધીને ફરમાવી રહ્યા છે કે એક દિવસે તમારે જરૂર મરવાનુ છે અને તમારે અલ્લાહ તઆલાની પાસે જરૂર ફરીથી જવાનુ છે એટલે તમારે દુનયવી જીવનને છોડીને હંમેશાનાં માટે બાકી રેહવા વાળી આખિરતનાં જીવનની તરફ જવાનુ છે, જ્યાં તમારે પોતાના આમાલ (કરેલા કર્મો) નો હિસાબ આપવા પડશે, તેથી આખિરતનાં જીવનને ધ્યાન માં રાખો, કારણકે ઈન્સાન જ્યારે આખિરતનાં જીવનને ધ્યાનમાં રાખે છે તેનાં માટે મેહનત કરે છે અને ત્યાંનાં હિસાબ-કિતાબથી ગભરાઈને આ ફના થવા વાળા વિશ્વમાં જીવન પસાર કરે છે, તો તે હંમેશા સીધા માર્ગ પર કાઈમ રહેશે.

اَرَءَیۡتَ الَّذِیۡ یَنۡہٰی ۙ﴿۹﴾ عَبۡدًا اِذَا صَلّٰی ﴿ؕ۱۰﴾

(હે મુખાતબ) વારુ, આપે તે માણસ (અબુ જહલ) ને જોયો જે (નમાઝથી) રોકે છે? (અમારા) એક બંદા (હઝરત મુહમંદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને જ્યારે કે તે નમાઝ પઢે છે (૯) (૧૦)

આ આયતે કરીમાં અલ્લાહ તઆલાએ અબુ જહલનો એક અત્યંત ખરાબ વ્યવહારને બયાન કરી રહ્યા છે. અબુ જહલની આ આદત હતી કે જ્યારે તે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને નમાઝ પઢતા જોતો, તો તે ગુસ્સેથી લાલચોળ થઈ જતો અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને નમાઝથી રોકવાનો પ્રયાસ કરતો હતો.

એક વખત અબુ જહલે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને હરમ શરીફમાં નમાઝ પઢતા જોયા, તો ઘણો ગુસ્સે થયો અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને કેહવા લાગ્યો કે શું મેં તમને નમાઝ પઢવાની મનાઈ ન કરી હતી? પછી તેણે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને ઘમકી આપતા કહ્યુ કે અગર મેં તમને ફરીથી નમાઝ પઢતા જોવા, તો (નઉઝુબિલ્લાહ) મેં તમારી ગરદનને મારા પગનાં નીચે કચડી નાંખીશ.

આ આયતે કરીમામાં અલ્લાહ તઆલા નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને યકીન(ખાતરી) અપાવી રહ્યા છે કે અલ્લાહ કદાપી અબુ જહલને આપ સુઘી પહોંચવા નહી દેશે અને તેનાં ખરાબ ઈરાદાઓ(ઉદ્દેશ્યો) ને કદાપી સફળ નહી થવા દેશે, કારણકે આપ દરેક સમયે અલ્લાહ તઆલાની હિફાઝત માં છો.

اَرَءَیۡتَ اِنۡ کَانَ عَلَی الۡہُدٰۤی ﴿ۙ۱۱﴾ اَوۡ اَمَرَ بِالتَّقۡوٰی ﴿ؕ۱۲﴾ اَرَءَیۡتَ اِنۡ کَذَّبَ وَ تَوَلّٰی ﴿ؕ۱۳﴾ اَلَمۡ یَعۡلَمۡ بِاَنَّ اللّٰہَ یَرٰی ﴿ؕ۱۴﴾

(હે મુખાતબ) વારુ, જુઓ તો ખરા અગર તે (રોકનાર) (હઝરત મુહમંદ સલ્લલલ્લાહુ અલયહિ વસલ્લમ) હિદાયત પર હોય (૧૧) અથવા તે (બીજાઓને) તકવા (પરહેઝગારી) ની શિખામણ આપતો હોય (૧૨) (હે મુખાતબ)  વારુ, જુઓ તો ખરા અગર તે (અબુ જહલ (ઈસ્લામને) જૂઠાડતો હોય અને તેનાથી મોઢું ફેરવતો હોય (૧૩) શું તે આ જાણતો નથી કે અલ્લાહ તઆલા જોઈ રહ્યા છે? (૧૪)

આ આયતે શરીફામાં અલ્લાહ તઆલા નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની તારીફ(પ્રશંસા) ફરમાવી રહ્યા છે અને સ્પષ્ટ રીતે બયાન કરી રહ્યા છે કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સંપૂર્ણપણે વિકસિત અને હિદાયત નાં રસ્તા પર છે અને લોકોને અચ્છાઈ અને તકવાનો હુકમ આપતા રહો છો. નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની તારીફ(પ્રશંસા) કરવા બાદ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ અબુ જહલની નાફરમાની અને મોઢુ ફેરવી લેવાનાં ને બયાન કર્યુ છે કે આ(અબુ જહલ) હકને ઝુટલાવી રહ્યો છે, અને દીને ઈસ્લામથી મોઢુ ફેરવી રહ્યો છે અને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને અલ્લાહ તઆલાની ઈબાદતથી રોકી રહ્યો છે.

અલ્લાહ તઆલા ફરમાવી રહ્યા છે اَلَمۡ یَعۡلَمۡ بِاَنَّ اللّٰہَ یَرٰی “શું તે આ જાણતો નથી કે અલ્લાહ તઆલા જોઈ રહ્યા છે?” આમાં તે વાતની તરફ ઈશારો છે કે અલ્લાહ તઆલા અબુ જહલને તેનાં કુફ્ર અને નાફરમાનીનાં બદલે ખૂબ પીડાદાયક સજા આપશે.

کَلَّا لَئِنۡ لَّمۡ یَنۡتَہِ ۬ۙ لَنَسۡفَعًۢا بِالنَّاصِیَۃِ ﴿ۙ۱۵﴾ نَاصِیَۃٍ کَاذِبَۃٍ خَاطِئَۃٍ ﴿ۚ۱۶﴾ فَلۡیَدۡعُ نَادِیَہٗ ﴿ۙ۱۷﴾ سَنَدۡعُ  الزَّبَانِیَۃَ ﴿ۙ۱۸﴾ کَلَّا ؕ لَا تُطِعۡہُ وَ اسۡجُدۡ وَ اقۡتَرِبۡ ﴿٪ٛ۱۹﴾

કંઈ નહિ, અગર તે અટકશે નહિ, તો જરૂર (તેની) પેશાની નાં બાલ પકડી (દોઝખ તરફ) ઘસડીશું તે પેશાનીનાં બાલ જે જૂઠા અને ગુનેહગાર છે (૧૫) (૧૬) હવે તેને જોઈએ કે પોતાની મજલિસ(સભા) વાળાઓ ને બોલાવી લે (૧૭) અમે પણ (શિક્ષા માટે) દોઝખના ફરિશ્તાઓને બોલાવીશું (૧૮) કંઈ નહિ, આપ તેનું કહેવું માનશો નહિ અને નમાઝ પઢતા રહો અને કુર્બ (એટલે અલ્લાહ તઆલાની નઝદીકી) હાસિલ કરતા રહો (૧૯)

અબુ જહલ ઘણો અભિમાની અને ઘમંડી માણસ હતો. તેને પોતાનાં માલો દોલત અને સરદારી પર ઘણો ગર્વ હતો. તેનો એ ખ્યાલ હતો કે તેને લોકોનો સહયોગ તથા મદદ અને સમર્થન હાસિલ છે અને તે જ્યારે પણ તેઓને બોલાવશે, તેઓ તેની એક અવાજ પર હાજર થઈ જશે અને તેનાં હુકમને પૂરો કરશે. તેથી આ આયતોમાં અલ્લાહ તઆલા અબુ જહલને આગાહ કરી રહ્યા છે કે અગર તે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને નમાઝ પઢવાથી રોકશે, તો તેનો પરિણામ ઘણો ભયાનક થશે અને અલ્લાહ તઆલા તેને પીડાદાયક સજા આપશે. અલ્લાહ તઆલા ફરમાવી રહ્યા છે કે તે(અબુ જહલ) આગાહ થઈ જાય કે અગર તે પોતાની હરકતથી અટકશે નહી, તો અમે તેની જૂઠી અને ભૂલથી દૂષિત પેશાનીનાં બાલ પકડીને ખેંચીશું. અગર એ ચાહે તો તે પોતાની સાથે બેસવા વાળાને બોલાવી લે. અમે પણ પોતાનાં ખાસ ફરિશ્તાઓની જમાઅતને બોલાવીશું. બીજા શબ્દોમાં એમ કહો કે અમારા ફરિશ્તાઓ તેને હલાક તથા બરબાદ કરી દેશે અને તેનાં વિરુદ્ધ અમારા રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મદદ કરશે. અગર તે ત્યાર બાદ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને નમાઝથી રોકવાની કોશિશ કરશે, તો અમારા ફરિશ્તાઓ તેને દુનિયાથી મિટાવી નાંખશે અને તેનાં શરીર નાં ટુકડા ટુકડા કરી નાંખશે.

હદીષ શરીફ માં આવ્યુ છે કે એક વખત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સજદા માં હતા અબુ જહલ ખરાબ ઈરાદાથી અગાળી વધ્યો જેથી કે તે આપ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મુબારક ગરદનને પોતાનાં પગથી કચળી નાંખે, પણ બીકનાં કારણે તરતજ પછાળી હટી ગયો. જ્યારે લોકોએ તેને એ હાલતમાં જોયો, તો પૂછ્યુ કે શું થયુ? પછાળી કેમ હટી ગયો? તમે તો કસમ ખાઘી હતી કે તુ તે વ્યક્તિ (રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ગરદનને પગથી કચળી નાંખશે. તેણે કહ્યુઃ જેવો હું અગાળી વધ્યો, મેં આગનો ખાળો જોયો અને મને કંઈ વસ્તુઓ તેમાં ઉડતી દેખાઈ. નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે તે વસ્તુઓ જે તેણે જોઈ તે અલ્લાહ તઆલાનાં ફરિશ્તાઓ હતા. અગર તે અગાળી કદમ વધારતે તો ફરિશ્તાઓ તેનાં ટુકડા ટુકડા કરી નાંખતે.

Check Also

સૂરહ ઇખ્લાસની તફસીર

قُل هُوَ اللّٰهُ اَحَدٌ ‎﴿١﴾‏ اللّٰهُ الصَّمَدُ ‎﴿٢﴾‏ لَم يَلِدْ وَلَم يُوْلَد ‎﴿٣﴾‏ وَلَمْ يَكُن …