હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૧૧

નેક આમાલનાં ઝરીએ નફલ હજ્જનાં ષવાબનો હુસૂલ

જો કોઈ માણસની પાસે હજ્જ કરવા માટે માલી ગુંજાશ ન હોય, તો તેનો આ મતલબ નથી કે એવા માણસનાં માટે દીની તરક્કી અને અલ્લાહ તઆલાની મોહબ્બતનાં હુસૂલનો બીજો કોઈ તરીકો નથી, બલકે અમુક નેક આમાલ એવા છે કે જો ઈન્સાન તેને પુરા કરી દે, તો ઈન્શા અલ્લાહ તેને નફલ હજ્જનો ષવાબ મળશે.

નીચે અમુક નેક આમાલ નોંઘવામાં આવે છે, જેનાં લીઘે ઈન્સાન નફલ હજ્જનો ષવાબ હાસિલ કરી શકે  છેઃ

(૧) વુઝુ કરીને ઘરથી નિકળવુ મસ્જીદમાં જમાઅતની સાથે ફર્ઝ નમાઝ અદા કરવા માટે

હઝરત અબુ ઉમામા (રદિ.) થી રિવાયત છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે માણસ વુઝુ કરીને ઘરેથી નિકળી જાય (મસ્જીદમાં) ફર્ઝ નમાઝ બાજમાઅત અદા કરવા માટે, તો તેને તે માણસનો ષવાબ મળશે જે એહરામની હાલતમાં નફલ હજ્જ અદા કરે અને જો તે ચાશ્તની નમાઝ અદા કરવા માટે (મસ્જીદ તરફ) નિકળી જાય, તો તેને ઉમરહ કરવા વાળાની જેમ ષવાબ મળશે.”

(૨) ઈશરાકની નમાઝ

હઝરત અનસ બિન માલિક (રદિ.) થી રિવાયત છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે માણસ જમાઅતની સાથે (મસ્જીદમાં) ફજરની નમાઝ અદા કરે, પછી તે પોતાની જગ્યામાં બેસીને અલ્લાહ તઆલાનાં ઝિકરમાં વ્યસ્ત રહે, અહિંયા સુઘી કે સૂરજનાં નિકળવાનો સમય થઈ જાય (એટલે સૂરજનાં નિકળવાનાં લગભગ વીસ મિનટ પછી) પછી તે બે રકઅત ઈશરાકની નમાઝ અદા કરે, તો તેને એક મુકમ્મલ હજ્જ અને મુકમ્મલ ઉમરહનો ષવાબ મળશે.”

(૩) દીની ઈલ્મ સીખવા અથવા સીખવવા માટે મસ્જીદ જવુ

હઝરત અબુ ઉમામા (રદિ.) થી રિવાયત છે કે નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે માણસ દીની ઈલ્મ સિખવા માટે અથવા (બીજાવોને) દીની ઈલ્મ સિખવવા માટે મસ્જીદ જાય, તો તેને એવા હાજીનો ષવાબ મળશે, જેનો હજ્જ કામિલ તરીકા પર પૂરો થયો હોય.”

(૪) રમઝાનનાં મહીનામાં ઉમરહ

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) ફરમાવે છે કે જ્યારે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) હજ્જનાં સફરથી પાછા આવ્યા, તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હઝરત ઉમ્મે સિનાન (રદિ.) થી પૂછ્યુ “તમે હજ્જનાં માટે મારી સાથે કેેમ ન આવ્યા?” તેવણે જવાબ આપ્યો “મારા શૌહરની પાસે માત્ર બે ઊંટ છે. એક ઊંટ પર મારા શૌહર અને એમનો છોકરો આપની સાથે હજ્જનાં માટે ગયા છે અને બીજા ઊંટ પર અમારો ગુલામ પાણી લાવે છે.” આ સાંભળી નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ “રમઝાનમાં ઉમરહ કરવાથી ઈન્સાનને હજ્જનાં બરાબર ષવાબ મળશે અથવા આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે રમઝાનમાં ઉમરહ કરવાથી ઈન્સાનને મારી સાથે હજ્જ કરવાનાં બરાબર ષવાબ મળશે.”

(૫) સવારે અને સાંજે સૌ (૧૦૦) વખત “સુબ્હાનલ્લાહ” પઢવુ

હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર (રદિ.) થી રિવાયત છે કે હઝરત રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે માણસ સવારે અને સાંજે સૌ સૌ વખત સુબ્હાનલ્લાહ પઢશે તેની મિષાલ એવા માણસની જેમ છે જેણે સૌ વખત હજ્જ કર્યો હોય.”

(૬) વાલિદૈનની ખિદમત

હઝરત અનસ (રદિ.) થી રિવાયત છે કે એક માણસ નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખિદમતમાં હાજર થયો અને અરજ કર્યુ “હું જીહાદમાં શરીક થવા ચાહું છું, પણ મારી પાસે (જીહાદમાં નિકળવા માટે) માલી ગુંજાશ નથી.” નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) પૂછ્યુ “શું તમારા વાલિદૈનમાંથી કોઈ જીવિત છે?” તેણે જવાબ આપ્યો “હાં, મારી માં જીવિત છે.” રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ “અલ્લાહ તબારક વતઆલાને દેખાડો કે તમે કેવી રીતે પોતાની માંની ખિદમત કરો છો જો તમે એવુ કરશો, તો તમને હજ્જ કરવા વાળો, ઉમરહ કરવા વાળો અને જીહાદ કરવા વાળાનો ષવાબ મળશે.”

(૭) આદર-સન્માન કરવા વાળી ઔલાદને પોતાનાં વાલિદૈનને કરૂણતા તથા મોહબ્બતની નજરથી જોવુ

હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે પણ આદર-સન્માન કરવા વાળા બાળકો પોતાનાં વાલિદૈનને કરૂણતા તથા મોહબ્બતની નજરથી જોય, તો અલ્લાહ  તઆલા તેની દરેક નજરનાં બદલે એક મકબૂલ હજ્જનો ષવાબ લખી દે છે.” સહાબએ કિરામ (રદિ.) સવાલ કર્યો “જો તે (બાળક) પોતાનાં વાલિદૈનને દરરોજ સૌ વખત (કરૂણતા તથા મોહબ્બતથી) જોય (તો શું તેને સૌ (૧૦૦) મકબૂલ હજ્જનો ષવાબ મળશે).” નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ “હાં, અલ્લાહ તઆલાની ઝાત ઘણી મોટી છે અને તેની નેઅમત ઘણી પહોળી છે (અલ્લાહ તઆલા જરૂર તેને સૌ (૧૦૦) મકબૂલ હજ્જનો ષવાબ અતા ફરમાવશે અને અલ્લાહ તઆલાનો ષવાબ તમારા ગુમાનથી વધારે છે).”

નોટઃ- ઉપર જણાવેલ ષવાબ તે ઔલાદનાં માટે છે જે પોતાનાં વાલિદૈનનો આદર-સન્માન કરતી હોય અને તેનાં દિલમાં તેઓની પૂરી મોહબ્બત તથા મહાનતા હોય.


Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...